Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

IT..કરદાતાને જવાબ આપવાની તક વગર જ નોટિસ ફટકારાતા કચવાટ

નોટિસ તો મોકલાવી પણ તેનો જવાબ કયાં રજૂ કરવો તે પણ પ્રશ્ન : પોર્ટલના ધાંધિયાને કારણે કરદાતાઓની પરેશાનીમાં થઇ રહેલો સતત વધારો

મુંબઇ, તા.૩૦: ઇન્કમટેકસ રિટર્નમાં ઓછી આવક દર્શાવી હોય અથવા તો કરદાતાએ ખરીદ કરેલી વસ્તુ દર્શાવ્યા વિના જ રિટર્ન ભરી દીધું હોય તેવા કિસ્સામાં કલમ ૧૪૩ પ્રમાણે નોટિસ મોકલવામાં આવી રહી છે, પરંતુ નોટિસનો જવાબ આપવા માટેની સુવિધા જ પોર્ટલ પર શરૂ કરવામાં નહીં આવતા કરદાતાઓને પરેશાની વધી છે.

ઇન્કમટેકસ પોર્ટલ ૫૨ ધીમે ધીમે કરદાતાના રિટર્ન ભરવાની શરૂઆત થયા બાદ પરેશાની ઘટવાની શકયતા રહેલી હતી. તેના બદલે વધી રહી હોવાની સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. કારણ કે આઇટી રિટર્ન ભર્યા બાદ હવે ઓનલાઇન જ રિટર્નની તમામ વિગતો ચકાસણી કરવામાં આવી રહી છે. તે આધારે કરદાતાએ વર્ષ દરમિયાન કોઇ ખરીદી કરી હોય અથવા તો કોઇને નાણાં આપ્યા હોય અને તેનો ઉલ્લેખ રિટર્નમાં દર્શાવ્યો નહીં હોય તેવા કિસ્સામાં એડજેમેન્ટ ૧૪૩ પ્રમાણે નોટિસ આપવામાં આવી રહી છે. તેમજ આ નોટિસનો આગામી ૩૦ દિવસમાં જુવાબ રજૂ કરવા માટેનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે, પરંતુ તેનો જવાબ રજૂ કરવા માટે આઇટી પોર્ટલ પર સુવિધા શરૂ કરવાની હોય તે સુવિધા જ શરૂ કર્યા વિના જ નોટિસ આપવામાં આવતા કચવાટ પેદા થયો છે.(૨૩.૧૪)

એકતરફી કાર્યવાહી થવાનો કરદાતાને ડર

આઇટી દ્વારા કરદાતાને આપવામાં આવેલી નોટિસમાં જવાબ રજ કરવામાં નહીં આવે તો કરદાતાને આઇટીએ કરેલી કાર્યવાહી યોગ્ય માનીને દંડ અને વ્યાજની વસુલાત કરવામાં આવતી હોય છે. એસેસમેન્ટમાં પણ આવું અનેક વખત થયા બાદ કરદાતાઓ અપીલમાં જતા હોય છે, પરંતુ તે પહેલા કરદાતાને સાંભળવાની એટલે કે જવાબ રજ કરવા માટેની તક આપવામાં આવતી હોય છે. જયારે હાલમાં પોર્ટલ પર જવાબ રજૂ કરવા માટેની સુવિધા જ આપવામાં આવી નહીં હોવાના કારણે એકતરફી કાર્યવાહી થવાની ચિંતા કરદાતાઓને સતાવી રહી છે.

(3:35 pm IST)