Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ટર્મ વિમાનું પ્રિમીયમ ૨૫ થી ૩૦ ટકા વધશે

સૌથી મોટી પુનર્વિમા કંપની મ્યુનિખ રી એ વધાર્યા અંડરરાઇટીંગ દરો

મુંબઇ તા. ૩૦ : આપના ટર્મ વિમાનું પ્રીમીયમ મોંઘુ થવાના અણસાર છે. ભારતીય વીમા બજાર માટે સૌથી મોટી પુનર્વિમા કંપની મ્યુનિખ રી એ શુધ્ધ સુરક્ષા કવરના પોર્ટફોલીયો માટે અંડરરાઇટીંગ દરો ૪૦ ટકા સુધી વધારી દીધા છે. આના કારણે ટર્મ વીમા પ્રિમીયમ ૨૫ થી ૩૦ ટકા વધી શકે છે.

એક ખાનગી વીમા કંપનીના એક સીનીયર અધિકારી અનુસાર આ વૈશ્વિક પુનર્વિમા કંપનીએ દરો વધારવાનો નિર્ણય જણાવી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે, આ નિર્ણય અંગે ઓછામાં ઓછી ૮-૧૦ વીમા કંપનીઓને જાણ કરાઇ છે. નવા દર ડીસેમ્બરથી લાગુ થશે. આ અધિકારી અનુસાર પુનર્વિમા કંપનીએ વિભીન્ન કંપ્નીઓ માટે ટર્મ પોલીસીના દરો ૩૦ થી ૪૦ ટકા સુધી વધારી દીધા છે તેના લીધે પ્રીમીયમ દરોમાં ૨૫ થી ૩૦ ટકા વધારો થશે.

પુનર્વિમા દરોમાં આ વર્ષે બીજીવાર વધારો કરાયો છે. આ પહેલા માર્ચમાં ૪ થી ૫ ટકાનો વધારો કરાયો હતો. ગયા વર્ષે જૂનમાં ૨૦ થી ૨૫ ટકાનો મોટો વધારો કરાયો હતો. મ્યુનિખી રી છેલ્લા કેટલાક વર્ષોથી લાંબી મુદ્દતના મૃત્યુદરના વલણનો અભ્યાસ કરી રહી છે. તેણે પુનર્વિમા દરો વધારવા ઉપરાંત અંડરરાઇટીંગના માપદંડો પણ કડક બનાવ્યા છે. મયુનીખ રી ના એક પ્રવકતાએ આ બાબતે કોઇ ટીપ્પણી કરવાની ના પાડી હતી.

પુનર્વિમા દરોમાં વધારાનો બોજ ગ્રાહકો પર નાખવામાં આવશે, જેમણે હવે વધારે પ્રીમીયમ ચૂકવવું પડશે. જો કે પ્રીમીયમમાં વધારો દરેક કંપનીમાં અલગ અલગ રહેશે. ઓનલાઇન વીમા એગ્રીગેટર પોલીસી એકસ ડોટ કોમના સંસ્થાપક અને સીઇઓ નવલ ગોયલે કહ્યું કે, મોટાભાગની કંપનીઓએ દરોમાં વધારાનો બોજ ગ્રાહકો પર નાખવો પડશે. તેઓ પોતે ૩૦ થી ૪૦ ટકાનો આ વધારો નહીં ઉપાડી શકે. અમુક કંપનીઓ તેને થોડા મહિના ટાળી શકે પણ આખરે તો આનો બોજ ગ્રાહકો પર જ આવશે દરેક કંપની પુનર્વિમા દરોમાં વધારાનો કેટલો બોજ ગ્રાહકો પર નાખશે તે તેના વહીખાતાની સ્થિતિ અને દાવાઓના રેશીયો પર આધાર રાખશે.

(3:36 pm IST)