Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ચાઇનીઝ કાલી માતા મંદિર

આ મંદિરમાં ચઢાવાય છે મનચુરિયન, નૂડલ્સ અને ચાઉમીનનો ભોગ! મંદિરમાં બિરાજમાન છે મહાકાળી માતા

નવી દિલ્હી, તા.૩૦: આજે અમે તમને એક એવા અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જયાં ભગવાનને નૂડલ્સ અને ચાઉમીનનો ભોગ ધરવામાં આવે છે. અહીં ભકતોને પ્રસાદ તરીકે ચાઈનીઝ ફૂડ આપવામાં આવે છે. આ અનોખા મંદિરનું નામ ચાઇનીઝ કાલી માતા મંદિર છે. કાલી માતાનું આ મંદિર પશ્યિમ બંગાળના ટેંગરામાં આવેલું છે. અહીં મોટી સંખ્યામાં હિન્દુ ભકતો તેમજ ચીની અને બૌદ્ઘ ધર્મ સાથે જોડાયેલા લોકો માતાના દર્શન કરવા આવે છે. મંદિરની વિશિષ્ટતાને કારણે, કાલી માતાનું આ મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ મંદિરમાં માતાની પૂજા કર્યા પછી, ભકતોને પ્રસાદમાં નૂડલ્સ, ફ્રાઈડ રાઈસ, ચાઉમીન અને મન્ચુરિયન મળે છે. આ મંદિરની અંદર મોટી સંખ્યામાં ભકતોનો જમાવડો થાય છે.

આ મંદિરનો ઈતિહાસ એકદમ અનોખો છે. માતાનું આ મંદિર ચીની લોકોએ બનાવ્યું હતું. એવું કહેવાય છે કે દ્યણા સમય પહેલા અહીં એક વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે કેટલાક કાળા પથ્થરો રાખવામાં આવ્યા હતા, જેને મા કાલીના પ્રતીક તરીકે પૂજવામાં આવતા હતા. તે સમયે દ્યણા ચીની લોકો આ જગ્યાએ રહેતા હતા.

અચાનક એક દિવસ એક ચીની છોકરાની તબિયત ખરાબ થઈ ગઈ. તેના બચી જવાની શકયતા ઓછી હતી. થોડા સમય પછી છોકરાના માતાપિતાએ મા કાલીને તેના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને ભકિતભાવથી મા કાલીની આદરપૂર્વક પૂજા કરી. માતાની પૂજા કર્યા પછી, છોકરો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. તેના માતાપિતા આનાથી ખૂબ ખુશ હતા અને તેઓએ ત્યાં ચાઈનીઝ કાલી માતાનું મંદિર બનાવ્યું.

ત્યારથી ઘણા ચીની લોકો આવીને આ મંદિરમાં પૂજા કરે છે. એટલું જ નહીં, મંદિરની અંદર ઘણા ચીની પૂજારીઓ પણ છે. અહીં આવતા ભકતોને પ્રસાદ તરીકે ચોપ્સી અને ચાઉમીન આપવામાં આવે છે. આ મંદિરમાં આવતા ભકતો મંદિરની અંદર હાથથી બનાવેલ કાગળને બાળે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને દુષ્ટ આત્માઓ દૂર રહે છે. આ મંદિરની આવી અનોખી વિશિષ્ટતાઓને કારણે, વિશ્વભરમાં ખૂબ પ્રખ્યાત છે.

(4:22 pm IST)