Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અજિત ડોભાલને મળ્યા

નવજોત સિંહ સિદ્ધુના પાક. કનેક્શન પર સાવલ ઊઠાવ્યા : નવજોત સિદ્ધુ પંજાબમાં ઉંચા પદે હોય તે યોગ્ય નથી કારણ કે, તેઓ ઈમરાન ખાન સાથે મિત્રતા ધરાવે છે : પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ

નવી દિલ્હી, તા.૩૦ : પંજાબમાં ચાલી રહેલી રાજકીય ઉથલ પાથલ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ નવી દિલ્હીમાં છે. અમરિંદર સિંહ ગુરૂવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા હતા. તેના પહેલા બુધવારે તેઓ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને મળ્યા હતા.

અમરિંદર સિંહ અને અજિત ડોભાલની મુલાકાત એટલા માટે પણ મહત્વની છે કારણ કે, પૂર્વ મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન સાથેના કનેક્શન અંગે સવાલ કરવામાં આવ્યા હતા. કેપ્ટન અમરિંદર સિંહે કહ્યું હતું કે, નવજોત સિંહ સિદ્ધુ પંજાબમાં ઉંચા પદે હોય તે યોગ્ય નથી કારણ કે, તેઓ ઈમરાન ખાન અને પાકિસ્તાની સેનાના પ્રમુખ કમર બાજવા સાથે મિત્રતા ધરાવે છે.

કેપ્ટન અમરિંદર સિંહે અમિત શાહ સાથેની મુલાકાત અંગે કહ્યું હતું કે, મુલાકાત દરમિયાન તેમણે કૃષિ કાયદાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ખેડૂતોના મુદ્દાને શક્ય તેટલી ઝડપથી ઉકેલવા વિનંતી કરી હતી. સાથે એમએસપીની ગેરન્ટીની માગણી કરી હતી.

પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતની રાજકીય પરિસ્થિતિ બદલાઈ છે તે જોતા અનેક પ્રકારની અટકળો થઈ રહી છે. કોંગ્રેસમાં નવજોત સિંહ સિદ્ધુએ પ્રદેશ અધ્યક્ષ પદ છોડ્યું અને કેપ્ટન અમરિંદર સિંહે બાગી તેવર અપનાવ્યા તે બધા વચ્ચે અટકળોનું બજાર ગરમાયું છે. એવું માનવામાં આવે છે કે, કેપ્ટન અમરિંદર સિંહ ભારતીય જનતા પાર્ટીનો છેડો પકડી શકે છે. જોકે વાતને લઈ કોઈ પૃષ્ટિ નથી કરવામાં આવેલી. ઉલ્લેખનીય છે કે, કેપ્ટન સતત સિદ્ધુ પર હુમલાવર રહ્યા છે. મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ કેપ્ટને સ્પષ્ટ જણાવી દીધું હતું કે, સિદ્ધુ પંજાબ માટે યોગ્ય નથી. સિદ્ધુએ જ્યારે પંજાબ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષનું પદ છોડ્યું ત્યારે પણ અમરિંદર સિંહે પોતાની વાતને દોહરાવી હતી અને બોર્ડર સ્ટેટને લઈ ચિંતા વ્યક્ત કરી હતી.

(7:12 pm IST)