Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

હાઈવે કાયમી બંધ ન કરી શકાય : સુપ્રીમની ફટકાર

ખેડૂત આંદોલનથી પાટનગરની પાસેના હાઈવે બંધ : શાહીનબાગ ધરણા પર ચુકાદો આપતા આંદોલનના નામે રસ્તાને લાંબો સમય રોકાય નહીં એમ સુપ્રીમે કહ્યું હતું

નવી દિલ્હી, તા.૩૦ : ખેડૂત આંદોલનના કારણે દિલ્હીની બોર્ડર પરના રસ્તાઓ ઘણા સમયથી બંધ છે ત્યારે સુપ્રીમ કોર્ટે કહ્યુ છે કે, કોઈ પણ હાઈવેને કાયમી ધોરણે બંધ કરી શકાય નહીં. પ્રકારના મામલા પર પહેલા પણ કોર્ટ આદેશ આપી ચુકી છે પણ સરકાર આદેશનો અમલ કરવામાં નિષ્ફળ રહી છે.

ઉલ્લેખનીય છે કે, નોઈડાની એક રહેવાસી મોનિકા અગ્રવાલે મામલામાં માર્ચ મહિનામાં સુપ્રીમ કોર્ટ સમક્ષ પિટિશન કરી હતી. જેમા તેમણે દિલ્હી અને નોએડા વચ્ચેની અવર જવર ઘણા મહિનાઓથી ખોરવાઈ ગઈ છે તેવો મુદ્દો ઉઠાવ્યો છે. કોર્ટેને સુનાવણી દરમિયાન જાણકારી મળી હતી કે, હરિયાણા સાથે જોડાયેલી દિલ્હીની બોર્ડરને પણ ખેડૂત આંદોલન કરનારાઓ દ્વારા રોકવામાં આવી છે. કોર્ટે જ્યારે બાબતે કેન્દ્ર સરકાર, હરિયાણા, યુપી પાસે જાણકારી માંગી ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે, આંદોલનકારીઓને સમજાવીને રસ્તા પરથી હટાવવા માટે કોશિશ થઈ રહી છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે શાહીનબાગ ધરણા અંગે ચુકાદો આપ્યો ત્યારે પણ કહ્યુ હતુ કે, આંદોલનના નામે કોઈ રસ્તાને લાંબા સમય માટે રોકી શકાય નહીં.

દરમિયાન આજે સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી જાણકારી અપાઈ હતી કે, આંદોલનકારીઓને રસ્તા પરથી હટાવવા માટેના વાતચીતના પ્રયત્નો સફળ થઈ રહ્યા નથી. કોર્ટે આંદોલનકારીઓને મામલામાં પક્ષકાર બનાવવા જોઈએ.

જેના જવાબમાં કોર્ટે કહ્યુ હતુ કે, આવા મામલાઓ પર પહેલા પણ આદેશ અપાયો છે અને તમારૂ કામ તેને લાગુ કરવાનુ છે. જોકે સાથે સાથે કોર્ટે સરકારને મંજૂરી આપી હતી કે, આંદોલનકારી નેતાઓને પક્ષકાર બનાવવા માટે સરકાર અરજી કરી શકે છે.

(7:13 pm IST)