Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ડોક્ટર્સ પર ટુ-ફિંગર ટેસ્ટનો રેપ પીડિત મહિલાનો આરોપ

સુપ્રીમ કોર્ટ દ્વારા ટુ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે : પીડિતાએ પુરાવાઓ સાથે છેડછાડ અને પુછપરછ સમયે અસંવેદનશીલ વલણ દાખવવાનો પણ આરોપ લગાવ્યો

નવી દિલ્હી, તા.૩૦ : સાથી પર દુષ્કર્મનો આરોપ લગાવનારી વાયુસેના (આઈએએફ)ની ૨૮ વર્ષીય મહિલા ઓફિસરે ગંભીર આરોપો લગાવ્યા છે. તેણે ડોક્ટર્સ પર રેપની પૃષ્ટિ માટે ટુ-ફિંગર ટેસ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ટુ-ફિંગર ટેસ્ટ પર પ્રતિબંધ લગાવેલો છે. તે સિવાય પીડિતાએ પુરાવાઓ સાથે છેડછાડ અને પુછપરછ દરમિયાન અસંવેદનશીલ વલણ દાખવવાનો પણ આરોપ લગાવ્યો છે.

તમિલનાડુ પોલીસ દ્વારા ૨૦ સપ્ટેમ્બરના રોજ દાખલ કરવામાં આવેલી પહેલી એફઆઈઆર પ્રમાણે મહિલા અધિકારીએ જણાવ્યું કે, કોઈમ્બતુર ખાતેની વાયુસેના પ્રશાસનિક કોલેજના પરિસરમાં તેના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. કોલેજના અધિકારીઓે તેને એમ કહ્યું હતું કે, જો તે એડીની ઈજા (જે કથિત રીતે અપરાધના કલાકો પહેલા સહન કરેલી)નો દુખાવો સહન કરી શકે છે તો તે પરિસરમાં પોતાના બળાત્કારીને જોવાના દુખાવાનો સામનો પણ કરી શકે છે.

ભારતીય વાયુસેના દ્વારા આરોપો મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ ૨૯ વર્ષીય આરોપી ફ્લાઈટ લેફ્ટિનેન્ટ, તેના વકીલ અને ભારતીય વાયુસેનાએ સોમવારે કોઈમ્બતુરની અતિરિક્ત મહિલા કોર્ટમાં એવો તર્ક રજૂ કર્યો હતો કે કેસમાં સિવિલ પોલીસનું કોઈ અધિકાર ક્ષેત્ર નથી.

તેમણે કોર્ટ માર્શલની કાર્યવાહી માટે આરોપીની કસ્ટડી ભારતીય વાયુસેનાને હસ્તાંતરિત કરવાની માગણી કરી હતી. ગત સપ્ટેમ્બરના રોજ પ્રશિક્ષણ દરમિયાન બાસ્કેટબોલ રમતી વખતે પીડિતાના જમણા પગે ઈજા પહોંચી હતી. તેણે એક પેઈન કિલર લીધી હતી અને સાંજના સમયે અધિકારીઓના મેસ બારમાં પોતાના સહયોગિઓ સાથે સામેલ થઈ હતી. ત્યાં આરોપીએ તેના બીજા પીણા માટે પૈસા આપવા જણાવ્યું હતું. બાદમાં પીડિતાને ઉલ્ટી થઈ અને તે સૂવા માટે જતી રહી. તેના બે મિત્રો (એક પુરૂષ, એક મહિલા) તેની દેખભાળ કરી અને તે સૂતી હતી ત્યારે રૂમ બહારથી વાખીને ગયા. તે સમયે આરોપી કથિત રીતે અંદર આવ્યો અને તેને ઉઠાડવા અને ચુંબન કરવા પ્રયત્ન કર્યો. પીડિતાના કહેવા પ્રમાણે તે આરોપીને ધકેલતી રહી પરંતુ એડીમાં દુખાવો થતો હોવાથી અસફળ રહી અને તેના સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું. ત્યાર બાદ પીડિતા સામે બે વિકલ્પ રાખવામાં આવ્યા- એક તો તે ફરિયાદ નોંધાવે અથવા લેખિત નિવેદન આપે કે બધું સહમતિથી થયેલું. ત્યાર બાદ તેમને એરફોર્સ હોસ્પિટલમાં જવા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

પીડિતાનો આરોપ છે કે, ડોક્ટર્સે તેને અંગત સવાલો પુછ્યા અને ટુ ફિંગર ટેસ્ટ કર્યો. આ ટેસ્ટ પર ઘણા સમયથી સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મુકેલો છે. આ અમાનવીય વ્યવહાર બાદ મહિલાએ એફઆઈઆર કરાવવાનું નક્કી કર્યું અને ૧૯ સપ્ટેમ્બરની રાતે કેસ નોંધાવ્યો. 

(7:14 pm IST)