Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

બ્રિટનમાં ફ્યુઅલ સંકટ સર્જાયું :મોટા ભાગના પેટ્રોલ પંપ પર અરાજકતાની સ્થિતિ : અનેક માઈલ લાંબી લાઈનો

ગભરાયેલા લોકો પાણીની નાની-નાની બોટલ્સમાં પણ શક્ય તેટલું પેટ્રોલ જમા કરી રહ્યા છે.

નવી દિલ્હી :  બ્રિટનમાં ફ્યુઅલ સંકટ સર્જાયું છે. છેલ્લા એક સપ્તાહમાં દેશના મોટા ભાગના ગેસ સ્ટેશનો પર ફ્યુઅલને લઈ લોકોમાં ભારે ગભરાટ અને બેચેની છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતા અહેવાલો પ્રમાણે દેશભરના મોટા ભાગના પેટ્રોલ પંપ પર અરાજકતાની સ્થિતિ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અનેક વીડિયોમાં જોઈ શકાય છે કે, પેટ્રોલ પંપની બહાર અનેક માઈલ લાંબી લાઈનો છે અને ગભરાયેલા લોકો પાણીની નાની-નાની બોટલ્સમાં પણ શક્ય તેટલું પેટ્રોલ જમા કરી રહ્યા છે

સામાન્ય રીતે દૈનિક 20,000થી 30,000 લીટર ફ્યુઅલ વેચતા ગેસ સ્ટેશન્સ પર હાલ 1,00,000 લીટર કરતા વધારેનું વેચાણ થઈ રહ્યું છે. બ્રિટનના અનેક પેટ્રોલ પંપ પર ફ્યુઅલની ખરીદીને લઈ લોકોમાં દહેશત છે અને અનેક જગ્યાએ તે માટે લડાઈ પણ થઈ રહી છે.

સ્થિતિ એ હદે ભયાનક છે કે, બ્રિટિશ મેડિકલ અસોસિએશને (બીએમએ)એ સ્વાસ્થ્યકર્મીઓને પ્રાથમિકતાના આધારે ફ્યુઅલ સુધી પહોંચવા આહ્વાન કર્યું છે જેથી સ્વાસ્થ્ય પ્રણાલી ધ્વસ્ત ન થઈ જાય તે સુનિશ્ચિત કરી શકાય

(9:30 pm IST)