Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ચેન્નાઇ સુપર કિંગ્સે હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યુ : ઋતુરાજ ગાયકવાડે 45 રન ઝૂડ્યા:ધોનીએ છગ્ગો ફટકાર્યો : જોશ હૈઝલવુડે 3 વિકેટ ઝડપી

ધોનીની ટીમે છ વિકેટે જીત મેળવીને પ્લે ઓફની ટિકિટ કાપી લીધી

IPL 2021 ની 44 મી મેચ આજે શારજાહમાં રમાઇ હતી. ચેન્નાઇ સુપર કિંગ્સ એ સનરાઇઝર્સ હૈદરાબાદ  હરાવીને પ્લેઓફની ટીકીટ કાપી લીધી છે CSK ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. 20 ઓવરના અંતે હૈદરાબાદની ટીમે 7 વિકેટ ગુમાવીને 134 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં ધોનીની ટીમે 6 વિકેટ જીત મેળવી હતી.

ચેન્નાઇ ટીમને આજે પ્લેઓફની ટીકીટ મેળવવાનો જુસ્સો હતો. ચેન્નાઇ આમ પણ પોઇન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહ્યુ હતુ. ચેન્નાઇએ હૈદરાબાદને હરાવીને 9 મી મેચ જીતી લીધી છે. ચેન્નાઇ સિઝનમાં માત્ર 2 જ મેચ ગુમાવી છે.

ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે શાનદાર રમત રમીને શરુઆત અપાવી હતી. બંનેએ 75 રનની પાર્ટનરશીપ કરી હતી. ગાયકવાડે 38 બોલમાં 45 રન કરીને વિકેટ ગુમાવી હતી. તે જેસન હોલ્ડરનો શિકાર થયો હતો. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા. પ્લેસિસે 36 લનો સામનો કરીને 41 રન કર્યા હતા. તેણે 3 ચોગ્ગા અને 2 છગ્ગા લગાવ્યા હતા.

મોઇન અલી ક્લીન બોલ્ડ આઉટ થયો હતો, એ પહેલા તેણે 17 રન નોંધાવ્યા હતા. સુરેશ રૈના સસ્તામાં આઉટ થયો હતો. તેણે માત્ર 2 જ રન નોંધાવ્યા હતા. અંબાતી રાયડૂએ 17 રન 13 બોલમાં કર્યા હતા. જ્યારે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ 10 બોલમાં 14 રન કર્યા હતા. બંને એ અણનમ રમત રમી હતી.

હૈદરાબાદની ટીમ માટે દરેક મેચમાં જીત આબરુ અને નસીબ બંને માટે જરુરી છે. ચેન્નાઇ સામે મેદાને ઉતરેલી ટીમે 23 રનના સ્કોર પર ઓપનર જેસન રોયની વિકેટ ગુમાવી હતી. તેણે 7 બોલનો સામનો કરીને 2 રન કર્યા હતા. જોકે બીજા છેડે આ દરમ્યાન રિદ્ધીમાન સાહા સ્કોર બોર્ડને આગળ વધારતી રમત રમી રહ્યો હતો. તેને જીવત દાન મળ્યુ હતુ. તે કેચ ઝડપાયો હતો પરંતુ, નો બોલ જાહેર થતા તેને રાહત મળી હતી. જોકે તેનુ આ નસિબ તેના 44 રનના સ્કોર સુધી જ ચાલ્યુ હતુ. તેણે 46 બોલનો સામનો કરીને 2 છગ્ગા અને 1 ચોગ્ગા સાથે 44 રનની રમત રમી હતી.

કેપ્ટન કેન વિલિયમસન 11 બોલમાં 11 રન કરીને આઉટ થયો હતો. તેને બ્રાવોએ પોતાનો શિકાર બનાવ્યો હતો. પ્રિયમ ગર્ગ 10 બોલમાં 7 રન કરીને બ્રાવોની ઓવરમાં કેચ આઉટ થયો હતો. આમ 74 ના સ્કોર પર હૈદરાબાદે 4 વિકેટ ગુમાવી દીધી હતી. જોકે બાદમાં અભિષેક શર્મા અને અબ્દુલ સમદે રમતને સંભાળવા પ્રયાસ કર્યો હતો. જોકે શર્મા 13 બોલમાં અને સમદ 14 બોલમાં 18-18 રન કરીને પેવેલિયન પરત ફર્યા હતા. બંનેએ એક એક છગ્ગો લગાવ્યો હતો. જેસન હોલ્ડર 5 રન બનાવી શક્યો હતો. રાશિદ ખાને અણનમ 17 રન અને ભૂવનેશ્વરે અણનમ 2 રન કર્યા હતા.

જોશ હૈઝલવુડે 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 24 રન આપ્યા હતા. ડ્વેન બ્રાવો આજે પ્લેયીંગ ઇલેવનમાં પરત ફર્યો છે. તેની હાજરીના ફરકને તેણે સાબિત કરી બતાવ્યો હતો. હૈદરાબાદના કેપ્ટન વિલિયમસન અને ગર્ગની વિકેટ તેણે ઝડપી લઇને હરીફ ટીમની મુશ્કેલીઓ વધારી દીધી હતી. રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ ઝડપી હતી. શાર્દૂલ ઠાકુરે 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ મેળવી હતી. મોઇન અલીએ એક જ ઓવર કરીને 5 રન આપ્યા હતા

(11:23 pm IST)