Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

T-20 વર્લ્ડ કપ 2021ની પાકિસ્તાની ટીમ પસંદગી પર ઇમરાન નારાજ : બે અનુભવી ખેલાડીઓને સામેલ કરાશે

ઇમરાન ખાને કહ્યુ કે શોએબ મલિક અને પૂર્વ કેપ્ટન સફરાઝ અહમદને T-20 વર્લ્ડ કપ મેચમાં સ્થાન મળવું જોઇએ

મુંબઈ :  T-20 વર્લ્ડ કપ 2021 માટે પાકિસ્તાનની ટીમની જાહેરાત થઇ ગઇ છે, પરંતુ હવે તેમાં ફેરબદલ થવાની સંભાવના દેખાઇ રહી છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ પ્રધાનમંત્રી ઇમરાન ખાન પાકિસ્તાનની વર્તમાન ટીમની પસંદગીથી નારાજ થયા છે અને તેમણે બે અનુભવી ખેલાડીઓને સામેલ કરવાનો આદેશ આપ્યો છે. ઇમરાન ખાને કહ્યુ કે શોએબ મલિક અને પૂર્વ કેપ્ટન સફરાઝ અહમદને T-20 વર્લ્ડ કપ મેચમાં સ્થાન મળવું જોઇએ.

યુએઇ અને ઓમાનમાં રમાનારી T-20 વર્લ્ડકપ 2021 મેચની શરૂઆત 17 ઓકટોબરથી થવાની છે, બધા દેશોએ પોત પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે, પાકિસ્તાને પણ પોતાના 15 ખેલાડીઓનું એલાન કરી દીધું હતું. પાકિસ્તાનના સમા ટીવીના એક અહેવાલ મુજબ PM ઇમરાન ખાને પાકિસ્તાન ક્રિક્રેટ બોર્ડ (PCB)ના ચેરમેન રમીઝ રાજાના આદેશ કર્યો છે કે વર્લ્ડ કપ સ્કવોડમાં બદલાવ કરવામાં આવે.

રમીઝ રાજાએ ઇમરાન ખાન પાસે 3 ઓકટોબર સુધીનો સમય માંગ્યો છે. ત્યાં સુધીમાં પાકિસ્તાનની નેશનલ T-20 કપનો પહેલો રાઉન્ડ ખતમ થઇ જશે. ICC T-20 વર્લ્ડ કપ માટે 10 ઓકટોબર સુધીમાં ટીમમાં ફેરફાર કરવો હોય તો થઇ શકે છે.

,પાકિસ્તાનની T-20 વર્લ્ડ કપ ટીમમાં આઝમ ખાન, ઓલરાઉન્ડર ખુશદિલ શાહ, મોહમંદ નવાઝ, મોહમ્મદ હસનૈન અને શોએબ મકસૂદને સ્થાન મળવાને કારણે પાકિસ્તાનમાં ભારે હોબાળો મચી ગયો હતો. મીડિયાએ પાકિસ્તાન સિલેકટર્સ સામે સવાલો ઉભા કર્યા હતા. આ બધા ખેલાડીઓ નેશનલ T-20માં નિષ્ફળ જઇ રહ્યા છે.

(11:44 pm IST)