Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ઇક્વાડોરની જેલમાં કેદીઓની બે ગેંગ વચ્ચે હિંસક અથડામણ : 116 કેદીઓના મોત : 80 ઘાયલ :પ્રમુખે કટોકટી જાહેર કરી

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનું રેકેટ ચલાવતા કેદીઓના બે જૂથો વચ્ચે પ્રભુત્વ જમાવવા માટે જેલમાં હિંસક અથડામણ

નવી દિલ્હી :  ઈક્વાડોરમાં ગ્વાયાક્વિલમાં આવેલી જેલમાં કેદીઓની બે ગેંગ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. એમાં ૧૧૬ કેદીઓનાં મોત થયા હતા. ૮૦ કરતાં વધુને ઈજા પહોંચી હતી. જેલમાં પ્રભુત્વ સ્થાપવા માટે બે જૂથ વચ્ચે હિંસા થઈ હતી. આ હિંસા પછી ઈક્વાડોરના પ્રમુખે કટોકટી જાહેર કરી છે.

ઈક્વાડોરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સનું રેકેટ ચલાવતા કેદીઓના બે જૂથો વચ્ચે પ્રભુત્વ જમાવવા માટે જેલમાં હિંસક અથડામણ થઈ હતી. ઈક્વાડોરના ગ્વાયાક્વિલની લિટોરલ જેલમાં થયેલી હિંસામાં ૧૧૬ કેદીઓના મોત થયા હતા. ૮૦ કરતાં વધુ એ હિંસામાં ઈજાગ્રસ્ત થયા હતા.
આ જેલની હિંસક આગ અન્ય જેલોમાં ન પહોંચે તે માટે પ્રમુખે દેશમાં ઈમરજન્સી લાગુ કરીને જેલોમાં સૈનિકોની તૈનાતી કરી છે. જે જેલમાં હિંસા થઈ ત્યાં વધુ ૪૦૦ પોલીસ જવાનોનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો.
પ્રમુખ ગુલેર્મો લાસોએ જણાવ્યું હતું કે જેલમાં જે હિંસા થઈ તે દુખદ છે. જેલમાં જે ઘટના બની તેની તપાસ શરૃ કરવામાં આવી છે. જેલો ગુનેગારોના વર્ચસ્વની લડાઈનું ઘર બની ગઈ છે એ ગંભીર બાબત છે. હિંસાને કાબૂમાં લેવા માટે બધા જ પ્રયાસો હાથ ધરાયા છે.
જેલ પ્રશાસને કહ્યું હતું કે જેલમાં થયેલી ગેંગવોરમાં અગાઉ ક્યારેય આટલી મોટી સંખ્યામાં કેદીઓના મૃત્યુ થયા નથી. ઈક્વાડોરની જેલમાં અંદાજે ૪૦ હજાર કેદીઓ બંધ છે. એમાં મોટાભાગના હ્મુમન ટ્રાફિકિંગ અને ડ્રગ્સના ગુનેગારો છે. આ ખુંખાર ગુનેગારોને બંધ રાખવા માટે ૬૫ મોટી જેલો છે. જેલોમાં વારંવાર અલગ અલગ ગેંગના કેદીઓ વચ્ચે નાની-મોટી અથડામણોના બનાવો બનતા રહે છે એ સરકાર માટે મોટો પડકાર સર્જાયો છે.

(12:27 am IST)