Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેને છાતીમાં દુઃખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરાયો

એન્ટિલિયા બહાર વિસ્ફોટકો મુકવાના કેસના આરોપી : એજન્સી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુકેલા એક ઈન્સ્પેક્ટરને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યું

મુંબઈ, તા. ૩૦ : ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકનાર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેની તબિયત લથડી છે.તેને છાતીમાં દુખાવો ઉપડયાની ફરિયાદ બાદ હોસ્પિટલ લઈ જવાયો હતો.

સચિન વાઝે હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીની કસ્ટડીમાં છે.મળતી વિગતો પ્રમાણે રવિવારે રાતે વાઝેએ છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી.એ પછી તેને હોસ્પિટલ લઈ જવાયો હતો અને ચેકઅપ કરાયા બાદ મધરાતે પાછો લાવવામાં આવ્યો હતો.હવે તેની તબિયત ફરી લથડી હોવાની વિગતો સામે આવી રહી છે.

આ પહેલા પણ વાઝેની તબિયત બગડતા હોસ્પિટલમાં લઈ જવાની ઘટના બની ચુકી છે.તેને ડાયાબિટિસ હોવાનુ પણ નિદાન થયુ છે.દરમિયાન એજન્સી દ્વારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવી ચુકેલા એક ઈન્સ્પેક્ટરને પણ પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવ્યુ છે.તેની ભૂમિકા પર પણ એજન્સીને શંકા છે.વાઝે જ્યારે થાણે ગયો હતો ત્યારે આ ઈન્સ્પેક્ટર ફરજ પર હતો અ્ને વાઝેએ ઈન્સપેક્ટરને કહ્યુ હતુ કે કોઈ કોલ આવે તો કહેજે કે વાઝે કામમાં છે.

એજન્સી દ્વારા વાઝેની આકરી પૂછપરછ થઈ રહી છે.જેના પરિણામે વાઝેએ મીઠી નદીમાં ફેંકી દીધેલી કોમ્પ્યુટરની હાર્ડ ડિસ્ક, સીડી તથા બે નંબર પ્લેટ મળી હતી.આ નંબર પ્લેટ જે કારની છે તે જાલનામાં સમાજ કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા એક ક્લાર્કની ચોરાયેલી કારની છે.એનઆઈ એ પણ જાણવા માંગે છે કે, આ કારનો વાઝે કોઈ ઉપયોગ કરવા માંગતો હતો કે કેમ

દરમિયાન વિસ્ફોટકો ભરેલી કારના માલિક મનસુખ હિરેનની હત્યામાં પકડવામાં આવેલા સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ વિનાયક શિંદે અને બૂકીનરેશ ગૌડની પણ એનઆઈએ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.

(12:00 am IST)