Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

પત્ની પર રંગ નાખવાની ના પાડનારા પતિની ક્રૂર હત્યા

ઉત્તર પ્રદેશના વારાણસીમાં ખુનની હોળી : વારાણસીના ચૌબપુરના બરાઇ ગામમાં ૨૦-૨૫ લોકોએ લાકડી અને ડંડાથી મારીને શખ્સને મોતના ઘાટ ઊતાર્યો

વારાણસી, તા. ૩૦ : રંગોનો તહેવાર હોળી પર લોકો રંગોમાં ભીંજાય છે. તેઓ એકબીજાને રંગ લગાવે છે. પરંતુ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ખુનની હોળી રમવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે અહીં હોળીની ઉજવણી દરમિયાન કેટલાક લોકોએ એક શખ્સને એટલો માર્યો કે તેનું મોત થઈ ગયું, જ્યારે અન્ય ચાર લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એક પતિએ તેની પત્નીના ગાલ પર રંગ લગાડવાની ના પાડી હતી.

ઘટના વારાણસીના ચૌબપુર વિસ્તારના બરાઇ ગામની છે. લોકોએ જણાવ્યું કે ગામમાં હોળીની ઉજવણી ચાલી રહી છે. અહીં રહેતા રાજુ રાજભર (૩૫)ની પત્નીને કેટલાક લોકોએ બળજબરીથી ગુલાલ અને રંગ લગાવી દીધો. આ જોઈ પતિ રાજુ જોરદાર ગુસ્સે થઈ ગયો અને વિરોધ કરવા લાગ્યો હતો.

ત્યારબાદ રાજુ અને બીજા ગ્રુપ વચ્ચે બબાલ થઈ હતી, જોકે થોડા સમય પછી ઝઘડો શાંત પડ્યો અને બંને પક્ષો પોતપોતાના ઘરે ગયા હતા. થોડા સમય પછી બીજા પક્ષના આશરે ૨૦થી ૨૫ લોકો સાથે પરત ફર્યો અને રાજુના ઘરની બહાર આવ્યા અને ગાળો બોલવા લાગ્યા.

રાજુ ઘરથી બહાર આવ્યો અને વિરોધ કરવા લાગ્યો. રાજુની સાથે તેના પરિવારના અન્ય સભ્યો પણ બહાર આવ્યા હતા. જોત જોતામાં ત્યાં ધસી આવેલા ૨૦-૨૫ લોકો ત્યાં રાજુ ઉપર લાકડી-ડંડો લઈને તૂટી પડ્યા. જ્યારે તેના પરિવારજનોએ બચાવવા માટે વચ્ચે પડ્યા તો તેમને પણ ઢોર માર માર્યો હતો.

આ દરમિયાન રાજુના બે નાના પુત્રો અને પુત્રીઓએ પિતાને બચાવવા બૂમ પાડી હતી પણ કોઈ આવ્યું ન હતું. રાજુને ગંભીર ઈજા પહોંચાડ્યા બાદ આરોપી ત્યાંથી છટકી ગયા હતા. સમગ્ર બનાવન અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી અને રાજુને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે પરિવારના અન્ય ઘાયલો સભ્યોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યા અનુસાર રાજુ ગામના બીડીસી સભ્ય અને ભાજપના કાર્યકર હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. હુમલો કરનારા હજી પકડાયા નથી. હાલ પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

(12:00 am IST)