Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કાલથી મોંઘવારી દઝાડશે : અનેક ચીજોના ભાવ વધશે

કાલથી શરૂ થતું નવુ નાણાકીય વર્ષ મોંઘવારીના મોરચે આંચકો આપશે : જે ચીજો મોંઘી થશે તેની યાદી લાંબી : ટીવી - ફ્રીઝ - એસી વગેરે મોંઘા થશે : બાઇક - કારના ભાવ વધશે : હવાઇ મુસાફરી મોંઘી થશે : મોબાઇલના ભાવ પણ વધી જશે : હાઇવે પર વધુ ટોલ દેવો પડશે

નવી દિલ્હી તા. ૩૧ : કાલથી મોંઘવારીનો બોંબ ફુટવાનો છે. અનેકવિધ ચીજો જેમ કે ટીવી - ફ્રીજ - એસી - બાઇક - કાર - હવાઇ મુસાફરી - હાઇવે મુસાફરી પરનો ટોલ ટેક્ષ - મોબાઇલ વગેરેના ભાર વધી રહ્યા છે. જે જે ચીજોના ભાવ વધી રહ્યા છે તેની યાદી ઘણી લાંબી છે. પેટ્રોલ - ડિઝલ - ગેસના ભાવ વધારાથી ત્રસ્ત પ્રજાને કાલથી બેવડો માર સહન કરવો પડશે.

૧લી એપ્રિલથી નવા નાણાકીય વર્ષનો પ્રારંભ થશે પરંતુ નવા નાણાંકીય વર્ષમાં આમઆદમીને મોંઘવારીના મોરચે તગડો ઝટકો લાગશે કારણ કે જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચશે.

નેશનલ હાઇવેના ટોલથી પસાર થતાં વાહનો પર ટુંક સમયમાં વધેલા ટોલટેક્ષનો બોજ પડશે. ૧ એપ્રિલથી ટોલ પ્લાઝાથી પસાર થતાં વાહનોને ટોલ ટેક્ષ ચુકવવો પડશે. જોકે ફાસ્ટેગને ફરજીયાત કર્યા બાદ હવે હાઇવે પર આવેલા ટોલનાકા પર ટેક્ષ વધશે. એનએચએઆઇ તેમના દરેક ટોલ પ્લાઝામાં ટેક્ષ વધારશે.

૧ એપ્રિલથી ટીવી પણ મોંઘા થશે. છેલ્લા કેટલાક મહિનામાં સતત ટીવીના ભાવ વધી રહ્યા છે. ટીવીના ભાવ ૨ હજારથી માંડીને ૩૦૦૦ સુધી વધશે. ચીનથી આયાતના પ્રતિબંધ બાદ ટીવીની કિંમતોમાં વધારો થયો છે.

૧ એપ્રિલથી મોબાઇલ પણ મોંઘા થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં ઇલેકટ્રોનિકસ પ્રોડકટ પર આયાત ડયુટી વધારવાનું એલાન કર્યું હતું. જેમાં મોબાઇલ પાર્ટસ, મોબાઇલ ચાર્જર, એડોપ્ટર, બેટરી અને હેડફોન વગેરે સામેલ છે.

ડીજીસીએ ૧ એપ્રિલથી એએસએફમાં વધારો કરવા જઇ રહ્યું છે. જેનાથી હવાઇ સફર મોંઘી થશે. ડોમેસ્ટીક ફલાઇટમાં ભાડુ ઓછામાં ઓછું ૫ ટકા વધશે.

મારૂતિ સુઝુકી સહિત તમામ ઓટો કંપનીઓએ ૧ એપ્રિલથી કાર અને બાઇકની કિંમતમાં વધારાનું એલાન કર્યું છે. મારૂતિ સુઝુકી ઉપરાંત નિશાન અને રેનોની કારો ૧ એપ્રિલથી મોંઘી થશે. હીરોએ ટુ-વ્હીલરના ભાવોમાં પણ વધારાનું એલાન કર્યું છે. તેના લીધે ફોર વ્હીલર તેમજ તેનાથી વધુ પૈડાવાળા વાહનોને ૧લી એપ્રિલે વધેલો ટોલ ટેક્ષ આપવો પડશે.

આ ગરમીમાં નવા એસી અને ફ્રીઝ ખરીદી કરતા લોકોને ઝટકો લાગશે. નાવા નાણાંકીય વર્ષમાં એસી અને ફ્રીઝ મોંઘા થશે. કંપનીઓએ કાચા માલની કિંમતોમાં વધારાના લીધે ભાવ વધારવાનો હવાલો આપ્યો છે. ગયા મહીને ગ્લોબલ માર્કેટમાં ઓવલ - સેલ પેનલના ભાવમાં ૩૫ ટકાનો વધારો થયો છે.

નવા નાણાકીય વર્ષના પહેલા દિવસે દૂધના ભાવ વધવાના આસાર છે. આ જાણકરી ખેડૂતોએ આપી છે. દૂધના ભાવ ૩ રૂપિયાથી વધી ૪૯ રૂપિયા પ્રતિ લીટર કરવાની વાત કહેવામાં આવી રહી છે. એવામાં ઘી, પનીર અને દહીં સહીત દૂધથી બનેલ વસ્તુઓના ભાવ વધી શકે છે. એની સાથે જ બિહારના લોકોને ૧ એપ્રિલ ૨૦૨૧થી વધેલ વીજળીનો ઝાટકો પણ લાગી શકે છે. રાજયમાં વીજળીના ભાવમાં ૯-૧૦% વધારો કરવાની ઉમ્મીદ છે. ત્યાં જ ખર્ચના વધવાના કારણે કાર અને બાઈકની કિંમતોમાં પણ વધારો લગભગ નક્કી માનવામાં આવી રહ્યો છે.

કોરોનાની મહામારીમાં મોંઘવારી પહેલેથી જ આસમાને છે ત્યારે જરૂરિયાત અને રાજિંદા ઉપયોગમાં આવનાર ઘણી વસ્તુઓ એપ્રિલથી મોંઘી થવા જઇ રહી છે. દૂધથી માંડીને હવાઇ સફર સુધી બધું મોંઘું થઇ જશે. જોકે સ્માર્ટફોનના ભાવમાં કોઇ વધારો હાલમાં થવાનો નથી તેમ જાણકારો કહે છે.

કાર કંપનીઓ પણ ૧ એપ્રિલથી કે એક બે દિવસમાં મોટાભાગે ભાવ વધારવાની છે. મારૂતિ, નિસાન જેવી કંપનીઓના ભાવમાં વધારાની જાહેરાત કરી દીધી છે. એસજી હાઇવે પર મારૂતિના એક ડીલરે જણાવ્યું હતું કે કારમાં પણ ઓછામાં રૂ. પાંચથી સાત હજારનો વધારો થઇ શકે છે. જોકે હાલમાં પેટ્રોલના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો નવી ખરીદીથી દૂર રહે છે. તેમ છતાં જરૂરિયાત ધરાવતા ગ્રાહકોની છેલ્લા બેથી ત્રણ દિવસમાં ઘણી પૂછપરછો વધી છે.

અમદાવાદ ઇલેકટ્રોનિકસ ડીલર એસોસિયેશનનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ૧ એપ્રિલ ૨૦૨૧થી ટીવી ખરીદવાના મોંઘાં પડશે. કોપર અને એલ્યુમિનીયમના ભાવમાં વધારો થતાં અને આયાત જકાત પણ પાંચ ટકા વધતાં કંપનીઓ એલઇડીના અને એસીના ભાવ વધારવાની તૈયારી કરી રહી છે. ટીવી ઓછામાં ઓછા ૨થી ૩ હજાર જેટલા મોંઘાં થઇ જશે. તેની સાથે આ વર્ષે ગરમીની સિઝનમાં એસી અથવા ફ્રીઝ ખરીદનારાઓ પર પણ મોંઘવારીનો માર પડશે તે નક્કી છે. એસીની કિંમતમાં ૧૫૦૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયાનો વધારો થઇ શકે છે. અમુક ગ્રાહકોએ ભાવ વધારો ખાળવા માટે અમુક રકમ આપીને એસી તેમ જ ફ્રીઝ બુક પણ કરાવી દીધા છે.

ઓલ ઇન્ડિયા મોબાઇલ ડીલર એસોસિયેશનના પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું હતું કે હજુ સુધી ઓપો, એમઆઇ, રિયલમી જેવી બ્રાન્ડઝના ભાવમાં હાલમાં કોઇ વધારો થયો નથી કે જાહેરાત પણ કરવામાં આવી નથી. આમ સ્માર્ટફોનના ભાવ વધારામાંથી ગ્રાહકોને રાહત મળશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દિન પ્રતિદિન વધી રહેલા કોરોનાના ચેપની વચ્ચે લોકો પૂરતી કમાણી પણ કરી શકતા નથી ત્યારે લોકોએ જીવનજરૂરી ચીજોની ખરીદી માટે અલગ બજેટ ફાળવવું પડશે. બિનસત્તાવાર સૂત્રો તરફથી મળતા અહેવાલ અનુસાર દૂધના ભાવમાં ટૂંક સમયમાં વધારો થઇ શકે છે.

(10:35 am IST)