Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

નજીકના મેડીકલ સ્ટોર પર પણ થઇ શકશે ટેસ્ટીંગ

વૈજ્ઞાનિકોએ શોધી 'જાદુઇ' ચિપઃ માત્ર ૧ કલાકમાં પરિણામ મળી જશેઃ ટેસ્ટીંગ વિધિ સરળ બનશે

નવી દિલ્હી, તા.૩૧: કોરોના ટેસ્ટ હવે એટલી સરળતાથી થઇ જશે, જેટલી સરળતાથી અત્યારે બ્લડ સુગરની તપાસ થાય છે. વૈજ્ઞાનિકોએ સ્ટેમ્પ આકારની એવી શીપ તૈયાર કરી છે જેના દ્વારા કોરોના ટેસ્ટીંગ સરળ બની જશે અને એક કલાકમાં જ તેનું રીઝલ્ટ સ્માર્ટ ફોન પર મળી જશે. માઇક્રોફલુડીક ચીપ બ્લડ સીરમમાં સાર્સ કોવી-૨ ન્યુકિલયોકેપ્સીડ (એન) પ્રોટીનની સાંદ્રતા માપશે. આ બ્લડસીરમ એક આંગળીમાં જરાક સોય લગાડીને કલેકટર કરાય છે. આ સીસ્ટમ એટલી સરળ છે કે નજીકના મેડીકલ સ્ટોર પર પણ કોરોના ટેસ્ટ કરાવી શકાય છે અને એક કલાકમાં પરિણામ જાણી શકાય છે. સેમ્પલને લેબોરેટરીમાં મોકલવાની જરૂર જ નહીં પડે.

આ ચીપ રાઇસ યુનિવર્સિટીના રીસર્ચરોએ તેયાર કરી છે અને આ રિસર્ચ જર્નલ એસીએસ સેન્સર્સમાં પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ શોધ અનુસાર ચીપમાં જે નેનોબીડસ છે, તે સાર્સ-કોવીડ-૨ એન પ્રોટીન સાથે ચોટી જાય છે અને ત્યાર પછી એ એક ઇલેકટ્રોકેમીકલ સેન્સરમાં જાય છે. આ સેનસર બાયોમાર્કસની સાવ થોડી માત્રાને પણ ડીરેકટ કરી શકે છે.

રિસર્ચરો અનુસાર, હાલમાં કોરોના ટેસ્ટીંગ માટે જે પ્રક્રિયા અપનાવાય છે તેની સરખામણીમાં ચીપવાળી ટેકનીક બહુ સરળ છે. હાલમાં સ્વેબ આધારિત પીસીઆર ટેસ્ટ કરવામાં આવે છે. રાઇસ લેબમાં મીકેનીકલ એન્જીનીયર પીટર લીલ્બેહોજ અનુસાર, આ ડીવાઇસ દ્વારા કોરોના ટેસ્ટીંગ માટે લેબોરેટરીની જરૂર નહીં રહે. આનો ટેસ્ટ કલેકશન સાઇટ, હેલ્થ કલીનીક અથવા દવાની કોઇ દુકાન પર પણ થઇ શકે છે. આ ઉપરાંત આ આખી સીસ્ટમનો ઉપયોગ કરવો અને કયાંય લાવવા લઇ જવાનું પણ બહુ સહેલુ છે.

(11:31 am IST)