Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કોરોના કેસ વધતા કેન્દ્ર એકશનમાં

શું જિલ્લા લેવલે ફરી લાગી શકે છે લોકડાઉન?

રાજ્યોને પત્ર લખીને કોરોના સામેની સ્ટ્રેટેજી મુદ્દે સલાહ સૂચન આપવામાં આવ્યા છે : ૪૫થી વધુ ઉંમરના લોકોને વહેલા રસી આપી દેવા સૂચના

નવી દિલ્હી તા. ૩૧ : ભારતમાં કોરોના વાયરસની નવી એક લહેર ચાલી રહી છે. મહારાષ્ટ્ર સહિતના અનેક રાજયોમાં ચિંતા વધી રહી છે ત્યારે ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસની વચ્ચે કેન્દ્રએ રાજયોને સલાહ આપી છે કે જિલ્લા સ્તરમાં કન્ટેનમેન્ટ ઝોન સુધી સીમિત ન રહો પરંતુ જિલ્લા સ્તર પર લોકડાઉન જેવી પરિસ્થિતિના પ્રતિબંધો લગાવી શકાય છે.

રાજયોને કેન્દ્રએ સલાહ આપી છે કે માત્ર પરિવારોને આઇસોલેટ કરી દેવાથી ફાયદો નહીં થાય. આવા મામલાઓમાં મોટા મોટા કન્ટેનમેન્ટ ઝોન તૈયાર કરવાની જરૂર છે જેની સીમા સ્પષ્ટ હોય અને ત્યાં કડકાઇથી પ્રતિબંધો લાગુ કરવામાં આવે. આ પ્રકારના પ્રતિબંધ ઓછામાં ઓછા ૧૪ દિવસ સુધી લાગુ કરવા જરૂરી છે.

કેન્દ્રએ રાજયોને કહ્યું છે કે જે જિલ્લાઓમાં પહેલા વધારે કેસ આવતા હતા ત્યાંથી ફરીવાર કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આ બધા માટે ઢીલાઈ જવાબદાર છે. કેન્દ્રએ રાજયોને એમ પણ સલાહ આપી છે કે જે જિલ્લાઓમાં વધારે કેસ સામે આવી રહ્યા છે ત્યાં બે અઠવાડિયાની અંદર ૪૫ વર્ષથી ઉપરની આયુના બધા જ લોકોને રસી આપી દેવામાં આવે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે બધા જ રાજયોના સચિવોને પત્ર લખ્યો જેમાં આ વાત કહેવામાં આવી છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે આ સમયે કરવામાં આવતી બેદરકારીની ભારે કિંમત ચૂકવવી પડશે. કેન્દ્રએ સાફ શબ્દોમાં રાજયોને ચેતવણી આપતા કહ્યું છે કે આઇસોલેશનના નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. કેટલાક લોકોને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવે છે પરંતુ તેમની યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. આ પ્રકારની લાપરવાહી ચલાવી ન લેવાય.

(3:04 pm IST)