Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

અમેરિકાના વિદેશ વિભાગનો રિપોર્ટ

કાશ્મીરમાં સ્થિતિ સુધારી રહી છે ભારત સરકાર

આ રિપોર્ટમાં ઉઇગુરો સાથે થઇ રહેલા અત્યાચારોને લઇને ચીનને ફટકાર પણ લગાવવામાં આવી છે

વોશિંગ્ટન તા. ૩૧ : અમેરિકી વિદેશ વિભાગે બિડેન શાસનમાં પોતાનો પ્રથમ માનવધિકાર રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં બિડેન શાસને માન્યુ છે કે, ભારતે જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. જયારે આ રિપોર્ટમાં ઉઇગુરો સાથે થઇ રહેલાં અત્યાચારોને લઇને ચીનને ફટકાર પણ લગાવવામાં આવી છે.

રિપોર્ટમાં ચીનની સરકારને શિનજિયાંગમાં ઉઇગુર મુસ્લિમ વિરુદ્ઘ નરસંહાર માટે જવાબદાર ગણાવવામાં આવી છે. રિપોર્ટમાં રૂસની સરકાર પર વિરોધીઓને નિશાન બનાવવા અને સીરિયાના નેતા બશર અલ અસદ પર પણ તેના લોકો વિરૂદ્ઘ અત્યાચાર કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.આ રિપોર્ટ અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકેન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં ભારત અંગે કહેવામાં આવ્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં સામાન્ય સ્થિતિ પાછી લાવવા માટે સરકાર સતત પગલાં ભરી રહી છે. સરકારે સંચારના માધ્યમો પર લાગેલા પ્રતિબંધોને દૂર કર્યા છે. જાન્યુઆરીમાં ભારત સરકારે ઇન્ટરનેટને આંશિક રીતે પુનર્સ્થાપિત કર્યું. જો કે, જમ્મુ-કાશ્મીરના મોટાભાગના ભાગોમાં ૪ જી ઇન્ટરનેટ પુનર્સ્થાપિત સ્થાપિત કરવામાં આવ્યો નથી.

બીજી તરફ, અહેવાલમાં ચીન સાથે વધી રહેલા તનાવ વચ્ચે, યુએસએ ચીનના શિનજિયાંગમાં મુસ્લિમ ઉઇગર સમુદાય અને અન્ય વંશીય અને ધાર્મિક લઘુમતી જૂથો સામેની ચીની કાર્યવાહીને 'નરસંહાર' તરીકે જાહેર કરી છે.

(3:06 pm IST)