Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

સોનુ ચમક ગુમાવી રહ્યુ છેઃ શું ફરી રૂ. ૪૦,૦૦૦ની નીચે ચાલ્યુ જશે ?

કેટલાક નિષ્ણાંતોના મતે સોનાનું નવુ લેવલ રૂ. ૪૨,૦૦૦ થશેઃ ખરાબમાં ખરાબ સમયમાં તેનો ભાવ ૪૦,૦૦૦ની નીચે પણ જવાની શકયતા : ઓલટાઈમ હાઈથી સોનુ હાલ ૨૦ ટકા તૂટયુ છેઃ છેલ્લે ઓકટોબર ૨૦૧૯માં સોનાનો ભાવ રૂ. ૪૦,૦૦૦ નીચે પહોંચ્યો હતોઃ નિષ્ણાંતોના મતે હવે આ સપાટી આવે તો ખરીદી માટેનો શ્રેષ્ઠ સમય હશે

નવી દિલ્હી, તા. ૩૧:. જો ઈકવીટી માર્કેટમાં અચોક્કસ વાતાવરણ ચાલુ રહે અને ડેટ ફંડમાંથી રીટર્ન ઘટતુ રહે તો તમારે સોના તરફ ધ્યાન કેન્દ્રીત કરવુ પડે જે હાલ ઓલ ટાઈમ હાઈથી ૨૦ ટકા જેટલા નીચા ભાવે ચાલ્યુ ગયુ છે.

કેટલાક નિષ્ણાંતો ખરીદી માટે હજુ રાહ જોવા જણાવી રહ્યા છે. સોનાનો ભાવ બોટમ પર જાય ત્યારે ખરીદી કરવા નિષ્ણાંતો જણાવે છે.

બોન્ડ યીલ્ડના ભાવ વધી રહ્યા છે અને સાથોસાથ ડોલર પણ ઉંચકાઈ રહ્યો છે ત્યારે બુલીયન ઉપર દબાણ વધ્યુ છે. ઈન્વેસ્ટરો હવે સલામતી ઈચ્છે છે અને પીળી ધાતુ ખરીદવાના બદલે સોવેરીયન બોન્ડ તરફ ધ્યાન કેન્દ્રીત કરે છે કે જે વધતા ફુગાવાના સમયમાં સલામત રોકાણ તરીકે ઉપસ્યુ છે.

સ્પોટ અને ફયુચર માર્કેટમાં ગોલ્ડ ૧૦ ગ્રામના રૂ. ૪૪૫૦૦ના ભાવે ટ્રેડ કરી રહ્યુ છે. રૂ. ૫૬૦૦૦ના શિખરે પહોંચ્યા બાદ તેમા વહે વળતા પાણી છે. એક નિષ્ણાંત જણાવે છે કે ખરાબમા ખરાબ સમયમાં સોનાનો ભાવ રૂ. ૪૦,૦૦૦ની અંદર ચાલ્યો જાય તો નવાઈ નહિ.

એસએમસી ગ્લોબલના કોમોડીટી રીસર્ચ કરનાર વંદના ભારતી જણાવે છે કે સોનાનુ નવુ લેવલ રૂ. ૪૨૦૦૦ આવી શકે છે અને તે વખત ખરીદીનો શ્રેષ્ઠ સમય હશે. યુએસ ટ્રેઝરી ઉંચા ભાવે ટ્રેડીંગ કરી રહેલ છે અને અમારી દ્રષ્ટિએ તેમા ઉછાળો આવશે એટલુ જ નહિ ડોલર ઈન્ડેક્ષ પણ ઉંચો જશે. તેઓ જણાવે છે કે એવી પણ શકયતા છે કે સોનુ કદાચ ૪૦,૦૦૦ની નીચે પણ ચાલ્યુ જાય. જો કે કોઈ આ બાબતે કશુ બોલતા નથી પરંતુ આવો સમય ટૂંકાગાળા માટે આવી શકે છે. એ વખતે ધૂમ ખરીદી કરવાનો સમય હશે.

અત્રે એ નોંધનીય છે કે છેલ્લે ઓકટોબર ૨૦૧૯માં સોનાનો ભાવ રૂ. ૪૦,૦૦૦ની નીચે ચાલ્યો ગયો હતો. તે પછી અમેરિકા અને ચીન વચ્ચે ભડકેલ ટ્રેડ વોર અને તે પછી કોવિડ મહામારીને કારણે આ કિંમતી ધાતુનો ભાવ સતત વધતો રહ્યો હતો.

(3:58 pm IST)