Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

કૃષિ કાયદો : સુપ્રિમ કોર્ટે રચેલી સમિતીઍ આપેલા રિપોર્ટમાં કહેવાયુ ‘ખેડૂતો સાથે બેઠક બાદ સમાધાન શોધવા ૮૫ સંગઠનો સાથે ચર્ચા કરાઇ છે’

નવી દિલ્હી: કેન્દ્રના નવા ત્રણ કૃષિ કાયદા વિરૂદ્ધ લાંબા સમયથી ખેડૂત વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે બુધવારે ત્રણ સભ્યોની એક સમિતીએ એક સીલબંધ કવરમાં પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટને સોપી દીધો છે. આ સમિતીને સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવી હતી. સમિતીએ પોતાના રિપોર્ટમાં કહ્યુ છે કે ખેડૂતો સાથે બેઠક બાદ અને મામલામાં સમાધાન શોધવા માટે લગભગ 85 ખેડૂત સંગઠનો સાથે ચર્ચા કરવામાં આવી છે.

ત્રણ નવા કાયદા વિરૂદ્ધ ખેડૂતો 26 નવેમ્બરથી દિલ્હીની વિવિધ સરહદો પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ કરાર માટે વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) અધિનિયમ 2020, ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ અધિનિયમ 2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) અધિનિયમ 2020 ખેડૂત સશક્તિકરણ અને સંરક્ષણ સમજૂતિ માટે સરકારનો વિરોધ કરી રહ્યા છે.

કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારી ખેડૂતોએ દિલ્હીની સરહદો પર સોમવારે હોળી અને હોળી મોહલ્લાની ઉજવણી કરી હતી. પ્રદર્શનકારી ખેડૂતોએ કહ્યુ કે તેમનું આંદોલન ત્રણ નવા કૃષિ કાયદાને રદ કરવા માટે અને ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) પર એક અલગ કાયદો બનાવવા સુધી ચાલુ રહેશે. ખેડૂતો દિલ્હીની સિંધૂ, ટિકરી અને ગાજીપુર બોર્ડર પર ગત વર્ષે 26 નવેમ્બરથી પ્રદર્શન કરી રહ્યા છે.

ખેડૂતોએ 26 માર્ચે ભારત બંધ બોલાવ્યુ હતું

ખેડૂતોએ 26 માર્ચે કૃષિ કાયદા વિરૂદ્ધ રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન હેઠળ ભારત બંધ બોલાવ્યુ હતું. ખેડૂતો તરફથી ભારત બંધ દરમિયાન પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગમાં રસ્તા અને રેલ્વે વ્યવહાર બંધ રહ્યો હતો. બીજી તરફ દેશના અન્ય ભાગમાં બંધની આંશિક અસર જોવા મળી હતી. ખેડૂતોએ પંજાબ અને હરિયાણામાં અનેક સ્થળો પર રાષ્ટ્રીય રાજમાર્ગ અને અન્ય મુખ્ય માર્ગોને બંધ કરી દીધા હતા.

ખેડૂત અને સરકાર વચ્ચે 11 તબક્કાની થઇ ચુકી છે વાર્તા

હજારો ખેડૂત દિલ્હીમાં કેટલાક મહિનાથી પ્રદર્શન કરી રહ્યા છે. તે ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવા અને તેમના પાક પર MSPની માંગ કરી રહ્યા છે. જેમાં મોટાભાગના ખેડૂત પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશના છે. પ્રદર્શનકારી ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે અત્યાર સુધી 11 તબક્કાની વાર્તા થઇ ચુકી છે પરંતુ બન્ને પક્ષ પોતાના વલણ પર યથાવત છે.

(5:25 pm IST)