Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

ભારતમાં માનવ અધિકાર ભંગની સમસ્યા મોટી છેઃ અમેરિકાના વિદેશ વિભાગે રજૂ કરેલ પ્રથમ માનવ અધિકાર અહેવાલમાં થયેલ ટિપ્પણી

નવી દિલ્હી: જો બિડનના પ્રમુખ બન્યા પછી અમેરિકાના વિદેશ વિભાગે મંગળવારે પ્રથમ માનવ અધિકાર અહેવાલ રજૂ કર્યો. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં માનવ અધિકાર સંબંધિત અનેક મોટા મુદ્દા છે, જેમાં ઇરાદાપૂર્વક હત્યા, અભિવ્યક્તિ અને પ્રેસની આઝાદી પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર અને ધાર્મિક આઝાદીનું ઉલ્લંઘનની સહેનશીલતા સામેલ છે.

અહેવાલમાં ભારતમાં એક ડઝનથી વધારે માનવ અધિકારો સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓની યાદી બનાવવામાં છે, જેમાં પોલીસ તરફથી કરવામાં આવતા એન્કાઉન્ટર (એક્સ્ટ્રાજ્યૂડિશિયલ કિલિંગ્સ) સહિત પોલીસ અને જેલતંત્ર દ્વારા પ્રતાડિત કરવુ, ક્રૂરતા, અમાનવીયતા અથવા અપમાનજનક વ્યવહાર, સરકારી અધિકારીઓ દ્વારા ઇરાદાપૂર્વક ધરપકડ અને કેટલાક રાજ્યોાં રાજકીય કેદીના મુદ્દા અહેવાલમાં સામેલ છે.

જોકે 2020 કન્ટ્રી રિપોર્ટ્સ ઓન હ્યૂમન રાઇટ્સ પ્રેક્ટિસ્ઝ શીર્ષકવાળા અહેવાલમાં અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે જમ્મુ-કાશ્મીરમાં માનવ અધિકારની સ્થિતિમાં સુધાર થયો છે. અહેવાલના ભારતવાળા સેક્શનમાં કહેવામાં આવ્યું છે કે સરકાર કેટલાક સુરક્ષા અને કોમ્યુનિકેશન પ્રતિબંધોને બાદ કરતા જમ્મુ-કાશ્મીરમાં ધીમે-ધીમે સ્થિતિને સામાન્ય કરવા માટે સતત પગલા લેવામાં આવી રહ્યા છે. વિદેશ વિભાગે જણાવ્યું કે સરકારે મોટાભાગના રાજકીય કાર્યકર્તાઓને મુક્ત કરી દીધા છે.

અહેવાલમાં ચીનની સરકાર પર ઉઇઘરોનું નરસંહાર કરવા, રશિયા સરકાર પર રાજકીય વિરોધીઓ અને પ્રદર્શનકારીઓને નિશાન બનાવવા અને સીરિયાઈ નેતા બશર અલ-અસદ પર તેના જ લોકો પર અત્યાચાર કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યા છે.

(5:26 pm IST)