Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

૪૫થી વધુની વયનો લોકોને બે સપ્તાહમાં રસીનો નિર્દેશ

કોરોના પર નિયંત્રણ માટે નવી સ્ટ્રેટેજી અપનાવાશે : કેન્દ્રએ રાજ્ય સરકારોને વેક્સિનેશન અભિયાનમાં તેજી લાવવા, યોગ્ય બધા લોકોને વેક્સિન આપવા સુચના આપી

નવી દિલ્હી, તા. ૩૧ : દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણને કંટ્રોલમાં લાવવા માટે નવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આગામી બે સપ્તાહની અંદર સૌથી પ્રભાવિત જિલ્લાઓમાં ૪૫ વર્ષ કરતા વધારે ઉંમરના લોકોને વેક્સિનનો ડોઝ આપવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ વેક્સિનેશન અભિયાનમાં તેજી લાવવા અને વેક્સિનેશન માટે યોગ્ય તમામ લોકોને વેક્સિન આપવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

કેન્દ્રના નિર્દેશ પ્રમાણે આગામી બે સપ્તાહની અંદર ૪૫ વર્ષ અને તેના કરતા વધારે ઉંમરના તમામ લોકોને પ્રાથમિકતાના આધારે વેક્સિન આપવામાં આવશે. આ સાથે જ કોરોનાના પ્રત્યેક દર્દીના ૨૦થી ૩૦ સંપર્કોને ટ્રેસ કરવા અને તેમને ક્વોરેન્ટાઈન કરવાની વ્યવસ્થા કરવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે જેથી કોરોનાના કેસ ઘટાડી શકાય.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણના કહેવા પ્રમાણે કેસ વધારે હોય કે ઓછા, તમામ જિલ્લામાં જનપદીય ટીમ બનવી જોઈએ જે નિર્ધારિત સમય મર્યાદાની અંદર યોજના તૈયાર કરી જવાબદારી પ્રમાણે વર્તે.

ભૂષણે જણાવ્યું કે, કોરોના પોઝિટિવ હોય તેમના ૨૦થી ૩૦ સંપર્કોને ક્વોરેન્ટાઈન કરવા જોઈએ અને તેમનો ટેસ્ટ થવો જોઈએ. ઉપરાંત જ્યાં ક્લસ્ટર છે ત્યાં પરિવાર કે કેટલાક લોકોને ક્વોરેન્ટાઈન કરવાથી મદદ નહીં મળે. મોટા કન્ટેનમેન્ટ ઝોન બનાવીને આકરા નિયમો લાગુ કરવા પડશે. ઉપરાંત ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ પર ફોકસ રાખવું પડશે.

(7:48 pm IST)