Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

૪૦૦ અમ્પાયરોનું ક્રિકેટ બોર્ડે મહેનતાણું નથી ચુકવ્યું

વિશ્વના સૌથી અમીર ક્રિકેટ બોર્ડનો અણધડ વહિવટ : ઘરઆંગણાની ટુર્નામેન્ટમાં ભાગ લેનારા કેટલાક ક્રિકેટરો પણ આ વખતની સિઝન માટેના મહેનતાણાથી વંચિત

નવી દિલ્હી, તા. ૩૧ : ભારતનુ ક્રિકેટ બોર્ડ વિશ્વનુ સૌથી ધનિક બોર્ડ છે.ક્રિકેટ બોર્ડની આવક હજારો કરોડો રુપિયામાં છે પણ આશ્ચર્યની વાત એ છે કે, ૪૦૦ જેટલા અમ્પાયરો, મેચ ઓફિશિયલ, સ્કોરર્સ અને વિડિયો એનાલિસ્ટને બોર્ડ હજી પણ વર્તમાન સિઝન માટેના  પૈસા ચુકવી શક્યુ નથી.

સાથે સાથે ઘરઆંગણાની ટુર્નામેન્ટમાં ભાગ લેનારા કેટલાક ક્રિકેટરો પણ આ વખતની સિઝન માટેના મહેનતાણાથી વંચિત છે.આ વર્ષે ભારતની ઘર આંગણાની સિઝનની શરુઆત જાન્યુઆરીમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી થઈ હતી.એ પછી વિજય હજારે ટ્રોફી અને મહિલાઓની વન ડે ટુર્નામેન્ટ મરાઈ હતી.

બીસીસીઆઈ દ્વારા અમ્પાયરો અને અધિકારીઓને બિલ જમા કરાવવા માટે કહ્યુ હતુ.સામાન્ય રીતે ટુર્નામેન્ટ પુરી થાય તેના ૧૫ દિવસમાં અમ્પાયરોને અને બીજા અધિકારીઓને ફીનુ પેમેન્ટ થઈ જતુ હોય છે પણ મુશ્તાક અલી ટ્રોફી રમાયે બે મહિના થઈ ગયા હજી પેમેન્ટના ઠેકાણા પડ્યા નથી.

જાણકારોનુ માનવુ છે કે, બીસીસીઆઈ પાસે ક્રિકેટ ઓપરેશન્સ માટેના જનરલ મેનેજરની જગ્યા ખાલી છે.જે આ પ્રકારની જવાબદારી સંભાળે છે.જોકે તેના કારણે ક્રિકેટની આવક પર નિર્ભર રહેતા અમ્પાયરો અને બીજા અધિકારીઓને નાણાકીય મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

(7:55 pm IST)