Gujarati News

Gujarati News

News of Wednesday, 31st March 2021

આ વર્ષે ગરમી રેકોર્ડ તોડશે: હવે પછીના ત્રણ મહિના દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમી પડવાની અને લૂ વરસવાની હવામાન ખાતાની જાહેરાત

નવી દિલ્હી: હવામાન ખાતાએ આગાહી કરી છે કે ઉનાળામાં હવે પછીના ત્રણ મહિના દેશના અનેક ભાગોમાં ભીષણ ગરમી માટે લોકો તૈયાર રહે. આ આગાહી મુજબ ઉત્તર ભારત, ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના સબડિવિઝન અને મધ્ય ભારતના કેટલાક ડિવિઝનમાં ભયાનક ગરમી અને લૂ વરસશે.

ભારતીય હવામાન ખાતાએ આજે જાહેર કરેલ એક આગાહી મુજબ એપ્રિલથી જૂન મહિના વચ્ચેના ત્રણ મહિનાના ગાળામાં ઉત્તરભારત, ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ક્ષેત્રો અને મધ્ય ભારતના કેટલાક ક્ષેત્રોમાં  ભીષણ ગરમી પર પડનારી છે. આ તમામ વિસ્તારોમાં ઉષ્ણતામાન સામાન્યથી વધુ રહેવાનું અનુમાન છે, ત્યારે આ વર્ષે માર્ચ મહિનામાં જ હવામાને જે રીતે કરવટ બદલી છે અને સંખ્યાબંધ રાજ્યોમાં રેકોર્ડ તોડી નાખ્યા છે તેના પરથી જ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ગરમી અને લૂ લોકોને ખૂબ જ પરેશાન કરનારી બનશે.

દિલ્હીમાં છેલ્લા ૭૬ વર્ષનો ગરમીની રેકોર્ડ માર્ચ મહિનામાં તૂટી ગયો અને સૌથી વધુ તાપમાન હોળીના દિવસે ૪૦.૧ ડિગ્રી સેલ્સિયસ માપવામાં આવ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં પણ માર્ચ મહિનામાં રેકર્ડબ્રેક ૩૯ ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન રહ્યું છે જે છેલ્લા દસ વર્ષોમાં માર્ચ મહિનામાં બીજી વખત સૌથી ઊંચું ઉષ્ણતામાન રહેલ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મેદાની વિસ્તારોમાં જ્યારે ચાલીસ ડીગ્રીથી વધુ તાપમાન થઈ જાય અને સામાન્ય કરતા ઓછામાં ઓછું ૪.૫ ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉષ્ણતામાન હોય ત્યારે આ વિસ્તારમાં "લૂ" વરસી રહ્યાનું જાહેર કરવામાં આવે છે જ્યારે તાપમાન સામાન્યથી ૬.૫ ડિગ્રી સેલ્સિયસ વધી જાય તો "પ્રચંડ લૂ" વરસવાની જાહેરાત થાય છે.

(8:19 pm IST)