Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

પાકિસ્‍તાનઃ બ્રિટિશ સરકારે બનાવેલો દેશદ્રોહનો કાયદો જ ખતમ કરી દીધો

લાહૌર હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદોઃ દેશદ્રોહ સંબંધિત પાકિસ્‍તાન પિનલ કોડ(પીપીસી)ની કલમ ૧૨૪-Aએ રદ જાહેર કરી : કોર્ટે કહ્યું કે આ કાયદો મનસ્‍વી હતો જેને રદ કરવો જોઈએ

લાહોર,તા. ૩૧: લાહૌર હાઈકોર્ટે એક ઐતિહાસિક ચુકાદામાં દેશદ્રોહના કાયદાને ખતમ કરી દીધો. કોર્ટે તેને મનસ્‍વી ગણાવતા રદ કરી દીધો. લાહૌર હાઈકોર્ટના જસ્‍ટિસ શાહીદ કરીમે દેશદ્રોહ સંબંધિત પાકિસ્‍તાન પિનલ કોડ(પીપીસી)ની કલમ ૧૨૪-Aએ રદ જાહેર કરી હતી.

દેશના અનેક નાગરિકોની અરજીઓ પર સુનાવણી કરતા કોર્ટે આ ચુકાદો આપ્‍યો છે. અરજીઓમાં દેશદ્રોહના કાયદાને એ આધાર પર પડકારવામાં આવ્‍યો હતો કે સરકારે તેનો ઉપયોગ તેના વિરોધીઓ સામે કર્યો છે. દેશદ્રોહ કાયદા પર સેલમન અબુઝર નિયાઝી અને અન્‍ય લોકોની અરજીઓ સાંભળ્‍યા પછી કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્‍યો હતો, જે જાહેર કરવામાં આવ્‍યો હતો.

અરજીઓમાં સરકાર વિરુદ્ધ બોલનારાઓ સામે દેશદ્રોહની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવાને પડકારવામાં આવ્‍યો હતો. જસ્‍ટિસ કરીમ, જેમણે દેશદ્રોહના કાયદાને રદ કરવાનો ચુકાદો આપ્‍યો હતો, તે જ ન્‍યાયાધીશ છે જેમણે ૨૦૧૯ માં પાકિસ્‍તાનના ભૂતપૂર્વ સરમુખત્‍યાર જનરલ પરવેઝ મુશર્રફને દોષિત ઠેરવ્‍યા હતા અને ૨૦૦૭ માં બંધારણને બદલવા બદલ રાજદ્રોહના આરોપમાં મૃત્‍યુદંડની સજા ફટકારી હતી.

અરજીઓમાં દલીલ કરવામાં આવી હતી કે દેશદ્રોહનો કાયદો ૧૮૬૦માં ઘડવામાં આવ્‍યો હતો જયારે તે બ્રિટિશ શાસન હતું.  આ કાયદાનો ઉપયોગ ગુલામો માટે થતો હતો, જેના હેઠળ તેઓ કોઈની પણ વિરુદ્ધ કેસ દાખલ કરી શકતા હતા. અરજીમાં કહેવામાં આવ્‍યું હતું કે પાકિસ્‍તાનનું બંધારણ દરેક નાગરિકને અભિવ્‍યક્‍તિની સ્‍વતંત્રતાનો અધિકાર આપે છે, પરંતુ તેમ છતાં શાસકો વિરુદ્ધ ટિપ્‍પણી કરવા બદલ કલમ   ૧૨૪-A લગાવવામાં આવે છે.

(9:41 am IST)