Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

ગૃહ પ્રધાન શાહે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્‌ઘાટન કર્યું

ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા કેન્‍દ્રીય ગૃહ પ્રધાન શાહે ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના ૧૧૩માં દિક્ષાંત સમારોહમાં પણ ભાગ લીધો હતો

હરિદ્વાર,તા. ૩૧ : કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુવારે હરિદ્વારમાં પતંજલિ યુનિવર્સિટીનું ઉદ્‌ઘાટન કર્યું. આ પ્રસંગે રાજયના સીએમ પુષ્‍કર સિંહ ધામી અને યોગ ગુરુ રામદેવ પણ હાજર હતા. આ પ્રસંગે અમિત શાહ અને બાબા રામદેવે પણ હવન કર્યો હતો. ગૃહમંત્રીનું સ્‍વાગત કરતાં બાબા રામદેવે ટ્‍વીટ કર્યું કે, ‘પતંજલિ યુનિવર્સિટીનો ઉદ્‌ઘાટન સમારોહ અને સંન્‍યાસ દીક્ષા મહોત્‍સવ ભારત માતાના પ્રિય લોખંડી પુરૂષ, પ્રખર દેશભક્‍ત, ગૃહમંત્રી અમિત શાહની પવિત્ર હાજરીમાં યોજાશે.' ઉત્તરાખંડના પ્રવાસે ગયેલા કેન્‍દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગુરુકુલ કાંગરી યુનિવર્સિટીના ૧૧૩માં દિક્ષાંત સમારોહમાં પણ ભાગ લીધો હતો.

અમિત શાહે હરિદ્વારમાં જનસભાને પણ સંબોધી હતી. તેમણે કહ્યું કે હું તમને બધાને રામ નવમીની શુભેચ્‍છા પાઠવું છું. સહકાર મંત્રાલય દ્વારા દેશના તમામ ૬૩૦૦૦ સક્રિય પેકને કોમ્‍પ્‍યુટરાઇઝ કરવાનું કામ શરૂ થયું છે. આ સાથે ૩૦૭ જિલ્લા સહકારી બેંકો અને અન્‍ય ઘણી બાબતોનું કોમ્‍પ્‍યુટરાઈઝેશન કરવામાં આવ્‍યું છે. કેન્‍દ્રીય ગૃહ મંત્રીએ વધુમાં કહ્યું કે સહકારી મંત્રાલયની વિનંતી પર સુપ્રીમ કોર્ટે સહારા જૂથની ૪ સહકારી મંડળીઓમાં રોકાણ કરનારા ૧૦ કરોડ રોકાણકારોને તેમના નાણાં પરત કરવાનો નિર્દેશ આપ્‍યો છે. ઉત્તરાખંડના મુખ્‍યમંત્રી પુષ્‍કર સિંહ ધામીએ પણ જનસભાને સંબોધી હતી અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે જો આપણે કોઈ મોટો નિર્ણય લઈએ તો તેમાંથી પાછળ હટતા નથી, પરંતુ અમારો વિરોધ અમારા નિર્ણયો પર પ્રશ્નાર્થ ઉભા કરવાનું કામ કરે છે. જયારે અમે નકલ વિરોધી કાયદો બનાવ્‍યો ત્‍યારે વિપક્ષે યુવાનોને ફસાવવાનું કામ કર્યું. અમે નકલ વિરોધી કાયદાનો અમલ કરીને યુવાનોનું ભવિષ્‍ય સુરક્ષિત કર્યું છે. આજે આ નવા ભારતમાં માત્ર અમુક પસંદગીના પરિવારો જ નહીં, દરેકનો અવાજ સંભળાય છે.

(9:51 am IST)