Gujarati News

Gujarati News

News of Friday, 31st March 2023

દેશમાં એક દિવસમાં કોરોનાના નવા ૩૦૦૦થી વધુ કેસ નોંધાયા

દેશમાં કોરોનાએ ફરી પગપેસરો કર્યો : દેશમાં છેલ્લા છ મહિનામાં આ સૌથી વધુ કેસ : ગયા વર્ષે ૨ ઓક્ટોબરે કોરોનાના ૩,૩૭૫ કેસ નોંધાયા હતા

નવી દિલ્હી, તા.૩૧ : દેશમાં કોરોનાનો ફરી પગપેસારો શરુ થઈ ગયો છે. કોરોના સંક્રમણની ઝડપ વધી રહી છે. કોરોનાના એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, દેશભરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૩,૦૯૫ કેસ નોંધાયા છે. દેશમાં છેલ્લા છ મહિનામાં આ સૌથી વધુ કોરોના કેસ છે. ગયા વર્ષે ૨ ઓક્ટોબરે કોરોનાના ૩,૩૭૫ કેસ નોંધાયા હતા.મંત્રાલયે જણાવ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧,૩૯૦ લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં કોરોનાના સક્રિય કેસ હવે વધીને ૧૫,૨૦૮ થઈ ગયા છે. આ પહેલા ૨૯ માર્ચે એક્ટિવ કેસની સંખ્યા ૧૧,૯૦૩ હતી. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના ૪.૪૭ કરોડથી વધુ કેસ નોંધાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કોરોનાના ૨૨૦.૬૫ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

દેશની રાજધાની દિલ્હીમાં પણ કોરોનાના કેસ વધવા લાગ્યા છે. વધતા જતા કેસ વચ્ચે દિલ્હી સરકારે મહત્વની બેઠક બોલાવી હતી.

દિલ્હી સરકારે ગઈકાલે બપોરે કોરોનાની સ્થિતિ પર એક મહત્વની બેઠક કરી હતી. આરોગ્ય મંત્રી સૌરભ ભારદ્વાજ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને નિષ્ણાત તબીબો સાથે બેઠક કરી હતી.

(7:24 pm IST)