Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બ્રિટનના વડાપ્રધાને ૨૩ વર્ષ નાની મંગેતર સાથે લગ્ન કર્યા

કોરોનાકાળમાં ગુપચુપરીતે લગ્ન કરી લીધા : લગ્નમાં બંનેના પરિજન, કેટલાક ખાસ મિત્રો સામેલ થયા છે, કપલ આગામી વર્ષે લગ્ન કરશે તેવી જાહેરાત થઇ હતી

લંડન, તા. ૩૦ : બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન વિશે મોટા સમાચાર આવ્યા છે. કહેવાય છે કે જ્હોન્સને પોતાની મંગેતર કેરી સાયમન્ડ્સ સાથે એક સિકેટ સેરેમનીમાં લગ્ન કરી લીધા છે. આ લગ્નમાં બંનેના પરિજન અને કેટલાક ખાસ મિત્રો જ સામેલ થયા છે. જ્યારે અગાઉ એવા સમાચાર હતા કે કપલ આગામી વર્ષે લગ્ન કરવાનું છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ જ્હોન્સન અને સાઈમન્ડ્સે ખુબ જ ખાનગી સમારોહમાં લગ્ન કરી લીધા છે. અગાઉ તેઓ ૩૦ જુલાઈ ૨૦૨૨ના રોજ લગ્ન કરશે તેવી ચર્ચાઓ હતી અને આ માટે ૫૬ વર્ષના પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સન અને તેમની ૩૩ વર્ષની મંગેતર કેરી સાયમન્ડ્સે પોતાના પરિજનો અને મિત્રોને લગ્નમાં આવવાનું આમંત્રણ પણ મોકલી દીધુ હતું. જો કે કાર્ડમાં લગ્નનું વેન્યૂ નહતું અપાયું.

૨૦૧૯માં જ્હોન્સન પ્રધાનમંત્રી બન્યા બાદથી જ જ્હોન્સન અને સાઈમન્ડ્સ ડાઉનિંગ સ્ટ્રિટમાં એક સાથે રહે છે. ગત વર્ષે તેમને એક પુત્ર પણ અવતર્યો છે. પુત્રનું નામ વિલ્ફ્રેડ લોરી નિકોલસ જ્હોન્સન છે. આ અગાઉ જ્હોન્સનના લગ્ન મરીના વ્હીલર સાથે થયા હતા. તેમના ૪ બાળકો છે. લગ્નના ૨૫ વર્ષ બાદ સપ્ટેમ્બર ૨૦૧૮માં તેમણે જાહેરાત કરી કે તેઓ અલગ થઈ ગયા છે. વ્હીલર પહેલા જ્હોન્સને એલેગ્રા મોસ્ટિન-ઓવેન સાથે લગ્ન કર્યા હતા. હવે સાઈમન્ડ્સ તેમના ત્રીજી પત્ની હશે.

(12:00 am IST)