Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

બાબા રામદેવના એલોપથી અંગે નિવેદન મામલે કાલે રેસિડેન્ટ ડોક્ટર્સનું દેશવ્યાપી વિરોધ પ્રદર્શન

કાળા દિવસ તરીકે મનાવશે :ફેડરેશને રામદેવ પાસેથી બિશરતી જાહેર માફી પણ માંગ કરી

નવી દિલ્હી : એલોપથી અંગે યોગ ગુરૂ બાબા રામદેવની ટિપ્પણીથી નારાજ ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશને સભ્યોએ જણાવ્યું કે તેઓ આવતીકાલ તા. 1લી જૂનના દિવસે દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે અને તેને કાળા દિવસ તરીકે મનાવશે. એક નિવેદનમાં ફેડરેશને રામદેવ પાસેથી બિશરતી જાહેર માફી પણ માંગ કરી છે.

 બાબા રામદેવે કોરોના વાયરસ સંક્રમણની સારવારમાં ઉપયોગમાં લેવાતી કેટલીક દવાઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેમણે જણાવ્યું કે, કોવિડ-19ની સારવારમાં એલોપથી દવાઓ લેવાથી લોકો મરી રહ્યા છે. તેમના આ નિવેદનથી વિવાદનો વંટોળ ઉઠ્યો હતો. સૌપ્રથમ ઈન્ડિયન મેડિકલ એસોસિએશને રામદેવના નિવેદનનો સખત વિરોધ કર્યો હતો. ત્યારબાદ તેમી વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને બાબા રામદેવને તેમના અત્યંત દુર્ભાગ્યપૂર્ણ નિવેદનને પરત લેવા જણાવ્યું હતું. બાદમાં રવિવારે બાબા રામદેવને પોતાના નિવેદન પરત લેવા પડ્યા હતા. જો કે બાબા રામદેવ આટલેથી ના અટક્યા અને તેમણે બીજે દિવસે ટ્વીટ કરીને ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને 25 પ્રશ્નો પૂછ્યા હતા. પત્રમાં એલોપથી દ્વારા બિમાર વ્યક્તિઓનું મૂળખી નિદાન શું છે તેના વિશે પૂછવામાં આવ્યું હતું.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (આઈએમએ)ના બંગાળ એકમે બાબા રામદેવ વિરુદ્ધ કથિત ટિપ્પણી બદલ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. સ્વામી રામદેવે નિવેદન કર્યું હતું કે, આધુનિક દવાઓ કોરોનાનો ઈલાજ નથી કરી શકતી જેને પગલે કોરોનાના દર્દીઓ સહિત કેટલાક તબીબોના પણ મોત થયા છે. રામદેવ વિરુદ્ધ કોલકાતાના સિંથી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. રામદેવ વિરુદ્ધ ભ્રામક અને ખોટી માહિતી આપવા સાથે પ્રજા વચ્ચે ભ્રમ ઉભો કરવાનો આરોપ લગાવાયો છે.

(10:09 am IST)