Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

પંજાબ કોંગ્રેસમાં ડખ્ખો : અમરિંદર વિરૂધ્ધ ૨૫ ધારાસભ્યો પહોંચ્યા દિલ્હી

વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ તેના પહેલા જ કૉંગ્રેસમાં બે ભાગલાં પડવાની સ્થિતિ બની ગઈ છ

નવી દિલ્હી,તા.૩૧ : કોરોના સંકટનો સામનો કરી રહેલા પંજાબમાં અત્યારે રાજકીય સંકટ પણ ઉભું થઈ ગયું છે. આગામી વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ તેના પહેલા જ કૉંગ્રેસમાં બે ભાગલાં પડવાની સ્થિતિ બની ગઈ છે. આવામાં કેન્દ્રીય હાઈકમાન્ડે સ્થિતિને સંભાળવા માટે દખલ કરી છે. કૉંગ્રેસ હાઈકમાન્ડ તરફથી પાર્ટીના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. અહીં તમામ ધારાસભ્યો, મંત્રી એક ૩ સભ્યોની પેનલ સાથે મુલાકાત કરશે, જ્યાં પોતાની સમસ્યાઓને સામે રાખશે.

કોંગ્રેસના લગભગ ૨૫ ધારાસભ્યો જેમાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ ઝાખડ, મંત્રી ચરણજીત ચન્ની, સુખવિંદર સિંહ રંધાવા પણ સામેલ છે. આ તમામ દિલ્હી પહોંચી ગયા છે. ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા વાયદાને પૂર્ણ ના કરવાના આરોપ બાદ કોંગ્રેસ ધારાસભ્યોએ પોતાની સરકાર પર પ્રશ્નો ઊઠાવવાનું શરૂ કરી દીધા હતા. આ જ ૨૫ ધારાસભ્યો સતત કેપ્ટન અમરિંદર સિંહને લઇને પ્રશ્નો કરતા આવ્યા છે. કેન્દ્રીય હાઈકમાન્ડે જે ૩ સભ્યોની પેનલ બનાવી છે તેની આગેવાની હરીશ રાવત કરી રહ્યા છે. મલ્લિકાર્જુ ખડગે અને જે.પી. અગ્રવાલ પણ આમા છે.

સોમવારથી પંજાબ કોંગ્રેસના ધારાસભ્યોનો મંત્રીઓથી મળવાનો ક્રમ શરૂ થશે. સોમવારની બેઠકમાં ૨૫ ધારાસભ્યો ઉપરાંત ચરણજીત સિંહ ચન્ની, સુખવિંદર સિંહ રંધાવા પણ પેનલને મળશે. ત્યારબાદ મંગળવારના નવજોત સિંહ સિદ્ધુ, પરગટ સિંહ પેનલ સાથે મુલાકાત કરશે. કેપ્ટન અમરિંદર કેમ્પના મનાતા મનપ્રીત બાદલ, સાધુ સિંહ પણ દિલ્હીમાં છે અને પેનલ સાથે મુલાકાત કરશે. કેપ્ટન અમરિંદર સિંહ આ અઠવાડિયાના અંતમાં એટલે કે શુક્રવારના પેનલ સાથે મુલાકાત કરવા દિલ્હી આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે પંજાબ કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી બાદથી જ ડખો થયો હોવાના સમાચાર આવી રહ્યા છે. નવજોત સિંહ સિધ્ધુ સતત કેપ્ટન અમરિંદર સિંહની વિરુદ્ધ મોરચો ખોલીને બેઠા છે, જ્યારે સંગઠનના અનેક નેતાઓ પણ કેપ્ટનની સરકાર પર પ્રશ્નો કર્યા છે. આવામાં આગામી વર્ષે રાજ્યમાં ચૂંટણી થવાની છે ત્યારે તેના પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડ ડેમેજ કંટ્રોલમાં લાગી છે.

(4:49 pm IST)