Gujarati News

Gujarati News

News of Monday, 31st May 2021

ગુજરાત અને દેશનું ગૌરવ : જૂનાગઢ જિલ્લાની બે બહેનો વિશ્વની શક્તિશાળી ગણાતી ઈઝરાયલી સેનામાં સામેલ

એક બહેન ઈઝરાયલી સેનામાં યુનિટ હેડની કમાન સંભાળી રહી છે, જ્યારે બીજી બહેન લ્યે છે કમાન્ડો ટ્રેનિંગ : માણાવદરના કોઠડી ગામના જીવાભાઈ મૂળિયાસિયા ઘણાં વર્ષો પહેલા પોતાના ભાઈ સવદારભાઈ મૂળિયાસિયા સાથે ઈઝરાયલના તેલઅવીવમાં સ્થાયી થયેલા

જૂનાગઢ: મૂળ ગુજરાતના જૂનાગઢની બે બહેનો વિશ્વની શક્તિશાળી ગણાતી ઈઝરાયલી સેનામાં સામેલ થઈને રાજ્ય અને દેશનું ગૌરવ વધાર્યું છે. આ બન્ને બહેનોમાંથી એક બહેન ઈઝરાયલી સેનામાં યુનિટ હેડની કમાન સંભાળી રહી છે, જ્યારે બીજી બહેન હાલ કમાન્ડો ટ્રેનિંગ લઈ રહી છે. જેની ટ્રેનિંગ પૂરી થયા બાદ તેને ઈઝરાયલી આર્મીમાં સ્થાયી કમાન્ડ સોંપવામાં આવશે. Gujarati In Israel

મીડિયા રિપોર્ટ મુજબ, ગુજરાતના માણાવદર તાલુકામાં કોઠડી નામનું એક ગામ છે. આ ગામમાં રહેતા જીવાભાઈ મૂળિયાસિયા ઘણાં વર્ષો પહેલા પોતાના ભાઈ સવદારભાઈ મૂળિયાસિયા સાથે ઈઝરાયલના તેલઅવીવમાં સ્થાયી થયા હતા. મૂળિયાસિયા ભાઈઓ તેલ અવીવમાં કરિયાણાનો વેપાર કરે છે. આ પરિવારની બે બહેનો નિશા અને રિયા ઈઝરાયલની સેનામાં સામેલ થઈને પોતાની સેવાઓ આપી રહી છે.

નિશા ઈઝરાયલી સેનાના કોમ્યુનિકેશન એન્ડ સાઈબર સિક્યોરિટી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. આ સાથે જ તે ફ્રન્ટલાઈન યુનિટ હેડની પણ જવાબદારી નિભાવી રહી છે. જ્યારે રિયા હાલમાં જ સેનામાં સામેલ થઈ છે. હાલ રિયા સેનામાં તાલીમ લઈ રહી છે, જે બાદ તેને સેનામાં સ્થાયી કમાન્ડ સોંપવામાં આવશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે, ઈઝરાયલમાં 18 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓને ફરજિયાત સેનામાં પોતાની સેવા આપવી પડે છે. માત્ર ધાર્મિક કામમાં સામેલ વ્યક્તિઓ, વિકલાંગ અને મનોરોગીઓને તેમાં છૂટ આપવામાં આવી છે. આ સાથે ઓલંમ્પિક રમતોમાં સામેલ થનારા ખેલાડીઓ, ડાન્સરો, સંગીતકારોને પોતાની પ્રતિભા વિક્સાવવા માટે સેવામાં 75 ટકા સુધીની છૂટ મળે છે. પુરુષોને ઓછામાં ઓછા 2 વર્ષ 8 મહિના અને મહિલાઓએ 2 વર્ષ સુધી સેનામાં સેવા આપવી પડે છે

(8:58 pm IST)