Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

ચીનની તાનાશાહી : દલાઇ લામાની તસવીર રાખવા બદલ 60 તિબેટિયનોની ધરપકડ

દલાઈ લામાની તસ્વીરો ન રાખવા અને પોતાના મોબાઈલ ફોન પર તેમના વિશેની કોઈ જ જાણકારી શેર ન કરવા ધમકી

ચીની અધિકારીઓએ 60 તિબેટીયનોની તેમના આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાની તસ્વીરો રાખવાના કારણસર ધરપકડ કરી છે. આ કાર્યવાહી કરદજેના દેજ વોનપો કસ્બામાં કરવામાં આવી હતી. ભારતમાં રહેતા એક તિબેટીયને જણાવ્યું કે, પોલીસે તિબેટીયન સ્વાયત્તશાસી ક્ષેત્રમાં એક સ્થાનિક મઠમાંથી 19 ભિક્ષઓને કસ્ટડીમાં લીધા છે.

જ્યારે અન્ય 40 લોકોની પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલા ઘરોના તલાશી અભિયાન દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી.

બેઈજિંગ દ્વારા આ કાર્યવાહી દલાઈ લામાની તસ્વીરો સહિત તમામ પ્રતિબંધિત ફોટો રાખવા માટે તિબેટીયનોને સજા આપવાના પોતાના અભિયાનને તેજ કરવા સાથે કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ ધરપકડ કરવામાં આવી તે તમામ લોકોને સેરશૂલ કાઉન્ટી પોલીસ થાણામાં રાખવામાં આવ્યા છે.

ધરપકડ ઉપરાંત અધિકારીઓએ તે ક્ષેત્રમાં એક બેઠક પણ આયોજિત કરી હતી જેમાં લોકોને દલાઈ લામાની તસ્વીરો ન રાખવા અને પોતાના મોબાઈલ ફોન પર તેમના વિશેની કોઈ જ જાણકારી શેર ન કરવા ધમકી આપવામાં આવી હતી.

શાળાઓમાં અભ્યાસ માટે ચીની ભાષાના જ એકમાત્ર માધ્યમને ફરજિયાત કરવાની બેઈજિંગની યોજનાનો વિરોધ કરવા બદલ ચીની અધિકારીઓએ 19 વર્ષીય 2 તિબેટીયન વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ યોજનાને તિબેટ સ્વાયત્તશાસી ક્ષેત્ર પર પોતાનો કબજો મજબૂત કરવાની કવાયત માનવામાં આવે છે. જાણવા મળ્યા મુજબ ગ્યુલદ્રાક અને યાંગરિક નામના બંને વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર સપ્ટેમ્બર મહિનાથી લાગુ થઈ રહેલી આ યોજના અંગે વાત કરી રહ્યા હતા. બંનેને દારલાગ કાઉન્ટી પોલીસ થાણામાં રાખવામાં આવ્યા છે.

(10:44 am IST)