Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

યુએસમાં સચવાયેલું ભ્રૂણ ભારત લાવવા દંપતી કોર્ટમાં

અમેરિકાનો ચૌકાવનારો બનાવ : અમેરિકામાં ૨૦૧૬થી પ્રિઝર્વ કરાયેલા પોતાના ભ્રૂણને ભારત લાવવા માટે કપલે બોમ્બે કોર્ટમાં અરજી કરી છે

મુંબઈ,તા.૩૧ : અમેરિકાના ફ્લોરિડામાં ૨૦૧૬થી પ્રિઝર્વ કરાયેલા પોતાના ભ્રૂણને ભારત લાવવા માટે એક કપલે બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. આ કપલે ૨૦૧૪માં તેના માટે પ્રક્રિયા શરુ કરી હતી. તે સમયે ભારતીય કાયદા અનુસાર, વિદેશથી ભ્રૂણને ભારતમાં મગાવી સરોગસીથી બાળકને જન્મ આપી શકાતો હતો. જોકે, હાલનો કાયદો તેની પરવાનગી નથી આપતો. તેવામાં કોર્ટે આ મામલે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત, આઈસીએમઆર અને અન્ય વિભાગોને નોટિસ પાઠવી તેમનો જવાબ માગ્યો છે. અરજદાર કપલ ૩૫ વર્ષની આસપાસની વય ધરાવે છે. મામલાની ગંભીરતા જોતા હાઈકોર્ટે તેની આગામી સુનાવણી ૧૩ સપ્ટેમ્બરના રોજ મુકરર કરી છે.

    અગાઉ અમેરિકામાં રહેતાં આ કપલે માર્ચ ૨૦૧૬માં આસિસ્ટેડ ટેક્નોલોજી દ્વારા ભ્રૂણને વિકસાવી તેને પ્રિઝર્વ કરાવ્યું હતું. જોકે, ઓક્ટોબર ૨૦૧૫માં સરકારે એક નોટિફિકેશન બહાર પાડી વૈજ્ઞાનિક સંશોધન સિવાયના બીજા કોઈ હેતુ માટે ભ્રૂણને વિદેશમાંથી ભારત લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ કપલ ૨૦૧૮માં ભારત પરત ફર્યું હતું. આ પતિ-પત્નીએ ભ્રૂણને ભારત લાવતું રોકાવાને બંધારણે આપેલા જીવન જીવવાના અધિકારના ભંગ સમાન ગણાવ્યું છે. તેમણે પોતાની અરજીમાં દાવો કર્યો છે કે, અમેરિકામાં સચવાયેલું ભ્રૂણ તેમની બાયોલોજીકલ પ્રોપર્ટી છે, અને તેના દ્વારા તેઓ સરોગસી મારફતે માતાપિતા બનવા ઈચ્છે છે.

        દેશમાં સરોગસી પર પ્રતિબંધ નથી, પરંતુ તેના માટે ભ્રૂણ બહારથી લાવવા પર પ્રતિબંધ છે. ડિસેમ્બર ૨૦૧૫માં સુપ્રીમ કોર્ટે એક ચુકાદામાં જણાવ્યું હતું કે, કાયદો આવતા પહેલા જેમણે તેના માટે પ્રક્રિયા શરુ કરી દીધી છે, તેવા લોકોને ભ્રૂણ બહારથી લાવવાની મંજૂરી અપાશે. જોકે, આ ચુકાદો આવ્યાને છ વર્ષ જેટલો સમય વિતિ ગયા બાદ પણ સરકાર કે આઈસીએમઆર દ્વારા તેને લગતી કોઈ માર્ગદર્શિકા નથી બનાવાઈ.

(7:57 pm IST)