Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

અફઘાનિસ્‍તાનમાંથી અમેરિકન સૈનિકોની વાપસી બાદ ભારતે તાલિબાન સાથે શરૂ કર્યો વાતચીતનો દોર

મહત્‍વના મુદ્દે ચર્ચા થઇ હોવાનું બહાર આવી રહ્યું છે

ભારતે તાલિબાન સાથે ઓપચારિક વાતચીત શરૂ કરી દીધી છે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણ રીતે વાપસી થઇ ચુકી છે અને ભારતે ત્યારબાદ તાલિબાન સાથે સત્તાવાર સ્તરે વાતચીત શરૂ કરી દીધી છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કતરમાં ભારતના રાજદૂત દીપક મિત્તલની મંગળવારે દોહામાં તાલિબાનના નેતાઓ સાથે મુલાકાત થઈ છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંટને જણાવ્યું કે અમેરિકા કતરની રાજધાની દોહાથી અફઘાનિસ્તાનના મામલાઓને જોશે અને ભારત પણ આવુ કરતા દેખાઇ રહ્યું છે.

ભારતના વિદેશ મંત્રાલય તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આજે કતરમાં ભારતના રાજદૂત દીપક મિત્તલે તાલિબાન નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટનેકઝાઇ સાથે મુલાકાત કરી. મુલાકાત તાલિબાનની વિનંતી પર દોહા સ્થિત ભારતીય દૂતાવાસમાં થઈ.

નિવેદન અનુસાર બેઠકમાં અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સુરક્ષા અને વહેલી વાપસી અંગે વાતચીત થઈ હતી. મીટિંગમાં અફઘાન નાગરિકો, ખાસ કરીને લઘુમતીઓ કે જેઓ ભારત આવવા માંગે છે તેઓનો મુદ્દો પણ સામે આવ્યો.

ભારતીય રાજદૂત મિત્તલે પણ તાલિબાન સામે ભારતની ચિંતા મૂકી હતી. ભારતે જણાવ્યું કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને આતંકવાદ માટે કોઈ પણ સ્વરૂપે થવો જોઈએ નહીં. તાલિબાન પ્રતિનિધિએ ભારતીય રાજદૂતને ખાતરી પણ આપી હતી કે ભારતની તમામ ચિંતાઓ દૂર કરવામાં આવશે.

તાલિબાન અને ભારત વચ્ચેના સંબંધો કેવા રહેશે તે અંગે અટકળોનું બજાર ગરમ છે. પરંતુ બંને પક્ષોના તાજેતરના નિવેદનોથી કેટલીક બાબતો સ્પષ્ટ થઈ રહી છે. તાલિબાનનું નિવેદન પણ ભારત પ્રત્યે બહુ આક્રમક નથી અને ભારતે પણ તાલિબાનોને સીધા નિશાન બનાવ્યા નથી. તાલિબાનના નિવેદનોને જોતા એવું લાગે છે કે તાલિબાન જે 1996થી 2001ની વચ્ચે હતું તે 2021માં નવી લાઇન લેશે તેવું લાગે છે.

તાલિબાનના પ્રમુખ નેતા શેર મોહમ્મદ અબ્બાસ સ્ટનેકઝાઈએ તાજેતરમાં ભારતને વિસ્તારનો મહત્વપૂર્ણ દેશ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે તાલિબાન ભારત સાથે સારા સંબંધો ઈચ્છે છે. સ્ટનેકઝાઈએ જણાવ્યું કે અમે ભારત સાથે વેપાર, આર્થિક અને રાજકીય સંબંધો જાળવી રાખવા માગીએ છીએ.

(10:46 pm IST)