Gujarati News

Gujarati News

News of Tuesday, 31st August 2021

પશ્ચિમ બંગાળ ભાજપને મોટો ઝટકો: 24 કલાકની અંદર બે ધારાસભ્ય ટીએમસીમાં જોડાયા

ધારાસભ્યે કહ્યું -મે ભૂલમાં પાર્ટી બદલી હતી. હવે ટીએમસીના નેતૃત્વ પર વિશ્વાસ છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપ માટે મુશ્કેલી વધી રહી છે કારણ કે તેમના નેતા પાર્ટી બદલી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય વિશ્વજીત દાસ સત્તા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતા. દાસ સાથે ટીએમસીમાં જોડાનારાઓમાં ભાજપના કાઉન્સિલર મનોતોષ નાથ પણ હતા. 24 કલાકની અંદર ભાજપ માટે આ બીજો ઝટકો છે.

એક દિવસ પહેલા સોમવારે જ વિષ્ણુપુરના ભાજપના ધારાસભ્ય તન્મય ઘોષ પણ પાર્ટી છોડીને ટીએમસીમાં સામેલ થયા હતા. આ બન્ને ધારાસભ્યના તૃણમૂલમાં આવવાની સાથે જ રાજ્યમાં ભાજપના ધારાસભ્યોની કુલ સંખ્યા ઘટીને 72 થઇ ગઇ છે.

ટીએમસીમાં સામેલ થયેલા બાગડાના ભાજપના ધારાસભ્ય વિશ્વજીત દાસે કહ્યુ, મે ભૂલમાં પાર્ટી બદલી હતી. હવે ટીએમસીના નેતૃત્વ પર વિશ્વાસ છે. મમતા બેનરજી વિકાસના કામ કરી રહી છે અને હું તેમની સાથે રહેવા માંગુ છું. દાસે ભાજપ પર કથિત આરોપ લગાવ્યો કે તેમના નેતા કામ કરવા દેતા નથી.

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી જીતવાના કેટલાક દિવસ બાદ સીનિયર નેતા મુકુલ રોય પણ તૃણમૂલ કોંગ્રેસમાં પરત આવી ગયા હતા. રોય વર્ષ 2017માં મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા પરંતુ બે મેએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યાના એક મહિના બાદ તે પરત તૃણમૂલ કોંગ્રેસમાં સામેલ થઇ ગયા હતા. જોકે, ઓફિશિયલ રીતે હજુ પણ કૃષ્ણાનગર ઉત્તર બેઠક પરથી તે ભાજપના ધારાસભ્ય છે.

(12:42 am IST)