Gujarati News

Gujarati News

News of Sunday, 3rd October 2021

રોમાનિયામાં માથે ક્રેન પડતા ગોંડલના ક્ષત્રિય યુવાનનું કરૂણમોત : જાડેજા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

રોમાનિયાની વોલ્ટર ટોસ્ટો કંપનીમાં છેલ્લા ત્રણેક વર્ષથી ફરજ બજાવતા 28 વર્ષીય જયવીરસિંહ જાડેજા ઉપર માલસામાન શિફ્ટિંગ દરમિયાન ક્રેનપડતા ઘટના સ્થળે જ મોત

યૂરોપના દેશ રોમાનિયામાં થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં રાજકોટના ગોંડલના શ્રત્રિય યુવકનું કરૂણ મોત થયું છે. ગોંડલના નાના દરબારગઢના વતની જયવીરસિંહ જાડેજાનું રોમાનિયામાં માથે ક્રેન પડવાથી મૃત્યુ નીપજ્યું હતું. ઘટના પગલે જાડેજા પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો છે.  એકના એક પુત્રનું મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. પરિવારે ઇન્ડિયન એમ્બેસી ની મદદથી મૃતદેહને ગોંડલ આવી અંતિમ વિધિ પૂર્ણ કરી હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોંડલના નાના દરબારગઢ પરિવારના જયવીરસિંહ જાડેજા ગોંડલ ખાતે અભ્યાસ પૂર્ણ કરી રોમાનિયાની વોલ્ટર ટોસ્ટો કંપનીમાં છેલ્લા ત્રણેક વર્ષથી ફરજ બજાવી રહ્યા હતા. આ સમયે જ્યારે તેઓ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે માલસામાન શિફ્ટિંગ દરમિયાન ક્રેન તૂટીને 28 વર્ષીય જયવીરસિંહ જાડેજા ઉપર પડતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. તેમજ ગંભીર રીતે ઘવાતાં ઘટનાસ્થળ પર જ તેમનું મોત નિપજ્યું હતું.

સમગ્ર ઘટના અંગે નાના દરબાર ઘટના વિરેન્દ્રસિંહ જાડેજા અને પુષ્પેન્દ્ર સિંહ જાડેજાએ ન્યુઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  જયવીરસિંહ જાડેજા નિધનના સમાચારથી અમારા પરિવાર ઉપર જાણે કે આભ ફાટી પડ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જયવીર સિંહના મૃતદેહને ગોંડલ લાવવા માટે ભારત સરકારની તેમજ રોમાનિયા સ્થિત ઇન્ડિયન એમ્બેસીની મદદ લેવામાં આવી હતી. જયવીરસિંહ જાડેજા જે કંપનીમાં કામ કરતા હતા તેમની મદદથી એર કાર્ગો દ્વારા જેવી સિંહના મૃતદેહને અમદાવાદ લાવવામાં આવ્યો હતો.  ત્યાર બાદ મૃતદેહને ગોંડલ ખાતે લાવી અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી છે.

(8:22 pm IST)