Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

જય જય ગરવી ગુજરાત ' : સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યુજર્સી -જર્સી સીટીએ રંગેચંગે ઉજવ્યો ગુજરાતનો 62 મો સ્થાપના દિન : સભ્ય નોંધણી ,પ્રાર્થના ,સ્વાગત , તથા નૃત્ય ગીતોની રસલહાણથી ઉપસ્થિતો ભાવવિભોર

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ગુજરાત સ્વપ્નસિદ્ધિઓ ,મૂર્તિમંત ગુજરાતને આંખમાં આંજી અત્રે વતનથી દૂર વસતા સિસકતા દર્શનાર્થીઓ અને એના સોણલામાં તલપાપડ જળવિણ મત્સ્યો જેવા આર્દ હૈયાએ સીનીઅર ફ્રેન્ડ્સ ઓફ ન્યૂજર્સીના ઉપક્રમે પરમ એડલ્ટ ડે કેર ક્લિફરનના વિશાળ અને મનોરમ્ય સર્જનમાં એના સ્થાપક શ્રી વિપુલ અમીન ,પરિવારજનો અને વિશિષ્ટ અતિથિઓ તથા આયોજનો સભ્યોએ રવિવાર તારીખ 1 લી મે 2022 ના રોજ ' ગુજરાત સ્થાપના દિન ' રંગેચંગે ઉજવી તૃપ્તિનો અનુભવ માણ્યો હતો.

વતન ભૂખ્યા રસબળથી ગ્રહો ,-નક્ષત્રો -ચંદ્ર -તારા ,નિહારીકાઓથી આકાશ ઉભરાઈ પૃથ્વીને પુલકિત કરે તેમ ' પરમ ' ઉભરાતો હતો.' જય જય ગરવી ગુજરાત 'નો મંત્ર સર્વત્ર ગુંજતો હતો.

સભ્ય નોંધણી ,પ્રાર્થના ,સ્વાગત ,તથા અન્ય ઔપચારિક વિધિ બાદ સંસ્થાના સેક્રેટરી શ્રીમતી મયુરી પટેલે ' દેશ મેરા રંગીલા 'પર નૃત્ય કરી આનંદની અભિવ્યક્તિ કરી હતી.

શ્રી કમલેશ પટેલે પોતાના મધુર , ક્યાંક પહાડી ,કોકિલ કઠે ભાવકોના હૈયા પર રાજ કરતા હોય તેમ ' કહીં દૂર જબ દિન ઢલ જાયે ના તાલ ગીત સાથે સભાનો દોર પોતાના હાથમાં લઇ રસથાળમાં એક પછી એક માધુર્ય સભર ગીતો પીરસી ભાવિકોને ઘેલા કર્યા હતા.કંઠની કમાલ અને જણસનો જાદુ સુર આકૃતિઓના રૂપ ધારણ કરી સર્વેને મંત્રમુગ્ધ કરી સમાધિમાં લીન  કરતા હતા.સંસ્થાના સીઈઓ શ્રી ભવભૂતિ ભાઈએ એક ગીતથી સૌંદર્યનો કટકો પીરસી રસલ્હાણ કરી હતી.સુશ્રી મયુરી પટેલ અને સુશ્રી ભાવના પટેલના ' લીલી લીમડી રે --લીલો નાગરવેલનું છોડ ગીતે રસસાગરમાં ભરતીનો અનુભવ કરાવ્યો હતો.

ઉત્સવના અતિથિઓ શ્રી ટિનેશભાઈ ,શ્રી કિમ ભટ્ટ ,શ્રી વિપુલભાઈ અમીન ,શ્રી કૌશિક અમીન ,શ્રી સંદીપભાઈ ,સુશ્રી વિજયાબેન ,જશ ડિસ્ટ્રીબ્યુટરના શ્રી દેવાંગભાઈ ,સુશ્રી ભાનુબેન શાહ ,શ્રી કલાધર મહીપત મુલાણી ,શ્રી ભવભુતીભાઈ ,સુશ્રી પાયલબેન ,શ્રી નરેન્દ્ર પટેલ ,તથા સંસ્થાના સર્વે કારોબારી સભ્યો તથા સ્થાપક વડીલ શ્રી ભીખુભાઇ પટેલ ,વગેરેનો વિગતવાર પરિચય આપ્યો.સર્વેને પુષ્પ એવોર્ડ ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.પ્રસ્તુત આયોજનનું મુખ્ય શ્રેય સંસ્થાના માનદ સંચાલક ,ફાઉન્ડર પ્રમુખ શ્રી ડો.મહેન્દ્ર શાહને ફાળે જાય છે.સમગ્ર પ્રસંગના ગ્રાઉન્ડ સ્પોન્સર શ્રી વિપુલ અમીન ,પરમ એડલ્ટ ડે કેર પરિવાર હતા.લક્કી ડ્રો ના વિજેતાઓને વિવિધ ભેટ સોગાદ ઇનામમાં આપવામાં આવ્યા હતા.શ્રી કૌશિક અમીનના હસ્તે પુષ્પ ગુચ્છથી પરિવારજનોની ઉપસ્થિતિમાં ડો.મહેન્દ્ર શાહનું વિશિષ્ટ સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી

જાણીતા કવિ ,નવલકથાકાર ,પત્રકાર , લેખક ,શ્રી કૌશિક અમીને ગુજરાતની ભૌગોલિક સીમાઓ ,કલા - સંસ્કૃતિ ,સભ્યતા ,તથા અન્ય ઘટક વિશેષોનો ઉલ્લેખ કરી તેની અસ્મિતાનું ગૌરવ વર્ણવ્યું હતું.પાલી,માધવીમાંથી વિકસિત ત્રણ અપ્રભંશ ભાષાનો મહિમા કરતા પાટણના રાજવી સિદ્ધરાજ અને ખ્યતિપૂર્ણ જૈન મુનિ હેમચંદ્રાચાર્યને અમર કરતા ગ્રંથ ' સિદ્ધહેમ 'નો ઉલ્લેખ કર્યો હતો.જેની હાથીપર અંબાડીમાં પૂજન , સ્થાપન કરી નગરયાત્રા કાઢવામાં આવી હતી.

 મધ્યકાલીન ગુજરાતી અને સુદહ ગુજરાતી રૂપે વિકસાવી હતી.ગુજરાતી ભાષાના અનુસંદર્ભમાં ભાલણ ,પ્રેમાનંદ ,અને અન્ય કવિઓ અને તેમની કૃતિઓની ગણના કરી હતી.અર્વાચીન ગુજરાતી અને નર્મદ ગોવર્ધનરાય ,કનૈયાલાલ મુન્શી ,સુન્દરમ ,ઉમાશંકર જોશી ,ખબરદાર ,ઉશનસ ,જયંત પાઠક વગેરેને ગણાવી તેમણે ગુજરાતને આપેલ અંજલિનો અછડતો ઉલ્લેખ કર્યો હતો.બે દીકરાને જન્મ આપતી માતાની વેદના વર્ણવતા તત્કાલીન પરિસ્થિતિની સમીક્ષા કરતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક અને  મોરારજી દેસાઈની માનસિક ભૂમિકા બતાવી હતી.

અતિથિ શ્રી હિતેષભાઇ ભટ્ટે પોતાના વતન ભાદરણમાં ગેસ પાઇપલાઇનના પ્રશ્નનું ચક્રવ્યૂહ દ્રષ્ટિથી કરેલ નિરાકરણ ,પરદેશ અભ્યાસાર્થે જતા વિદ્યાર્થીઓના પ્રશ્નો ,અને પોતે સ્થાપેલ સંસ્થા દ્વારા કરેલ સહાય તથા ગુજરાતના રાજકારણીઓની સંમતિ અને પ્રેરણાથી અનેક દેશ વિદેશમાં નાતજાત ,ધર્મ કે અન્ય ભેદભાવ વિના ' સર્વજન હિતાય ' કહેતા ક્ષેત્ર પ્રવૃત્તિઓથી સમીક્ષા કરતા સહુને લોકોપયોગી  થવા અનુરોધ કર્યો હતો.

' પરમ ' ના ઉપાસક શ્રી વિપુલભાઈ પોતાના વક્તવ્યમાં પ્રસ્તુત સંસ્થાની સ્થાપના પાછળનો હેતુ -ધ્યેય સમજાવતા સભ્યના કલ્યાણ પર ભાર મુક્યો હતો.માતાપિતાનું સ્વપ્ન અને સેવાસિધ્ધિના યજ્ઞમાં આવતા અવરોધ અને પોતાને પડેલ મુશ્કેલીઓનું વર્ણન કરતા સહુએ એ માર્ગે કલ્યાણ કરવા નમ્ર સૂચન કર્યું હતું.

રશ્મીબેનના હાથનો રસથાળ આસ્વાદી સહુ વિખેરાયા હતા. સમગ્ર ભવ્ય અને સુંદર આયોજનનું શ્રેય ડો.મહેન્દ્ર શાહ પરિવાર ,સુશ્રી મયુરી ,શૂન્યમ ,સુશ્રી ભાવનાબેન ,અમીન ,સુશ્રી પ્રવિણાબેન સુશ્રી ગીતાબેન ,સુશ્રી ભાનુબેન ,સુશ્રી નિર્મળાબેન ,સુશ્રી સુધાબેન , શ્રી ચંદ્રેશભાઇ ,શ્રી કાંતિભાઈ ,શ્રી સુરેશભાઈ ,શ્રી પરેશભાઈ ,સહુને ફાળે જાય છે.ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન તરફથી બસ સેવાઓ પુરી પાડવામાં આવી હતી.હરહંમેશ સમગ્ર ક્ષણોને કેમેરામાં કંડારતા શ્રી મહીપત મુલાણીની સેવાઓ કેમ ભુલાય ? સમય સરી જશે પણ સંસ્થાની છબી  હંમેશ ઉજ્જવળ જ રહેશે . ( સંકલન ડો.મહેન્દ્ર શાહ -પ્રમુખ )

   

(6:46 pm IST)