Gujarati News

Gujarati News

News of Thursday, 16th February 2023

પાકિસ્તાને શ્રી કટાસ રાજ મંદિરની મુલાકાત લેવા માટે 114 હિંદુ તીર્થયાત્રીઓને વિઝા આપ્યા

ન્યુદિલ્હી :પાકિસ્તાન હાઈ કમિશને 12 થી 22 ફેબ્રુઆરી દરમિયાન પંજાબ પ્રાંતના ચકવાલ જિલ્લામાં શ્રી કટાસ રાજ મંદિરની મુલાકાત લેવા માટે ભારતના 114 હિંદુ તીર્થયાત્રીઓના સમૂહને વિઝા જારી કર્યા છે.

નવી દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશને બુધવારે આ જાણકારી આપીહતી. હાઈ કમિશન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શીખ અને હિંદુ તીર્થયાત્રીઓને વિઝા આપવાનું પાકિસ્તાન સરકારના ધાર્મિક સ્થળોની યાત્રાને સરળ બનાવવાના પ્રયાસોને અનુરૂપ છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એમ્બેસેડર-ઇન-ચાર્જ સલમાન શરીફે આધ્યાત્મિક રીતે મહત્વપૂર્ણ તીર્થયાત્રા માટે હિન્દુ તીર્થયાત્રીઓને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.
 

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાન પવિત્ર મંદિરોની સુરક્ષા અને તમામ ધર્મોના તીર્થયાત્રીઓને શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. ધાર્મિક સ્થળોની મુલાકાત અંગેના 1974ના દ્વિપક્ષીય પ્રોટોકોલ હેઠળ, હિન્દુ તીર્થયાત્રીઓને શ્રી કટાસ રાજ મંદિરની મુલાકાત માટે વિઝા આપવામાં આવે છે.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)