Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

' કાઉ કડલીંગ ' : અમેરિકામાં નવો ટ્રેન્ડ : ગાયને ગળે લગાડો અને તનાવ દૂર કરો : કોરોના વાઇરસનો તનાવ દૂર કરવા ગાયના ગળે હાથ ફેરવી તેની સાથે બેસવા માટે લોકો એક કલાકના 200 ડોલર આપવા તૈયાર : ભારતમાં સદીઓથી જેને માતાનું સ્થાન અપાયું છે તે ગાયનું મૂલ્ય અમેરિકનો હવે સમજ્યા : એપ્લાઇડ એનિમલ બિહેવિયર સાયન્સ જર્નલનો અહેવાલ

ટેક્સાસ : અમેરિકાના હવાઈ ,ન્યુ યોર્ક, ટેક્સાસ અને લોસ એન્જલસમાં તનાવ દૂર કરવા માટે નવો ટ્રેન્ડ શરૂ થયો છે. ' કાઉ કડલીંગ ' નામે સુવિખ્યાત થયેલા  આ ટ્રેન્ડ મુજબ યુ.એસ.માં લોકો ગાયને ગળે લગાડી  તનાવ દૂર કરી રહ્યા છે. આ માટે ઘણી નોનપ્રોફિટ સંસ્થાઓ સેવાઓ આપી રહી છે. ખાસ કરીને જે સ્થળોએ  બચાવવામાં આવેલી ગાયો રાખવામાં આવે છે, તે સ્થળે ગાયના ગળે હાથ ફેરવવા તેમજ તેની સાથે એક કલાક બેસવા માટે લોકો એક કલાકના 200 ડોલર ( અંદાજે 15 હજાર રૂપિયા ) ચૂકવે છે.  આ પૈસાથી ગાયોની સંભાળ રાખવામાં આવે છે. સામે પક્ષે ગાયો પણ લોકો પ્રત્યે પ્રેમ દર્શાવે છે.

આખા અઠવાડિયાનો તનાવ હોય કે  લાંબા સમયથી  ઘેરી વળેલી હતાશા હોય નિર્દોષ પ્રાણીનો સ્પર્શ માનવ મનમાં ઘણી રાહત લાવે છે. સામાન્ય રીતે, પાળતુ પ્રાણીઓ પોતાના માલિકની હતાશા દૂર કરી દેતા હોય છે. ઘરે તાલીમ પામેલા ડોગ પણ આનું ઉદાહરણ છે . હવે પાલતુ  કૂતરાઓ અને નાના પ્રાણીઓને ગળે લગાવવાની માફક ગાયને પણ ગળે લગાડી માનસિક તાણ તથા હતાશા દૂર કરવાનો ટ્રેન્ડ શરૂ થયો છે. જોકે  ભારતમાં, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં, ગાયના ગળે અને પીઠ ઉપર  હાથ ફેરવવો તે સામાન્ય બાબત છે.પરંતુ અમેરિકામાં આ માટે લોકો  પૈસા ખર્ચવા તૈયાર છે.

આ સુખાકારીના વલણને 'કાઉ  કડલિંગ' નામ આપવામાં આવ્યું છે, જેમાં ગાયને ગળે લગાડવામાં આવે છે . પ્રેમથી તેના ગળા તથા પીઠ ઉપર હાથ ફેરવવામાં આવે છે. જયારે તે બેઠી હોય ત્યારે તેના પેટ કે પીઠ ઉપર માથું રાખી જમીન ઉપર આરામ ફરમાવી તાણ અને અસ્વસ્થતા ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. જે રીતે નાનું બાળક માતાના ખોળામાં શાંતિનો અનુભવ કરે છે તે રીતે ગાય  માતા પાસેથી  શાંતિ મળી રહી હોવા જેવો અનુભવ થાય છે. એવું માનવામાં આવે છે કે નેધરલેન્ડ્સમાં આ થેરેપી રજૂ કરાઈ હતી અને કોરોના વાયરસના રોગચાળા વચ્ચે યુ.એસ. માં પણ તેનો ફેલાવો વધી રહ્યો છે. વર્તમાન કોવિદ -19 સંજોગોમાં જ્યારે મનુષ્ય એકબીજાને ભેટી શકતા નથી ત્યારે ગાયમાતાનો ખોળો અપાર શાંતિ અપાવે છે.

2007 ની સાલના  એપ્લાઇડ એનિમલ બિહેવિયર સાયન્સ જર્નલના એક અહેવાલમાં  કહેવામાં આવ્યું છે  કે ગાયના ગળા અને પીઠ ઉપર હાથ  ફેરવવાથી તેને પણ શાંતિ મળે છે. જેની નિશાની રૂપે તેના કાન પાછળની તરફ જતા જોવા મળે છે. તથા મનુષ્યને આરામ અને શાંતિની ભાવનાનો અનુભવ થાય છે. આ ક્રિયાથી એક્સાઈટોસિન હોર્મોન બહાર આવે છે. તેવું એન.ટી.દ્વારા જાણવા મળે છે.

(7:56 pm IST)