Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

અમેરીકાના કેલિફોર્નિયામાં વસતા નડીઆદવાસીઓએ સમર પિકનિકનો આનંદ માણ્યો : લોસ એન્જેલસ, ઑરેન્જ, રીવરસાઈડ તથા સેન બર્નાન્ડીનો કાઉન્ટીઓમાં વસતા ૨૦૦ જેટલા સભ્યો ઉમટી પડયા : ગીત સંગીત ,ગરમા ગરમ ગોટા અને કઢી ચટની, સુરતની જલેબી ,તેમજ સ્વાદિષ્ટ ડિનરથી સહુ ખુશખુશાલ

 દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : બૃહદ લોસ એન્જેલસ વિસ્તારની મુખ્યત્વે ચાર કાઉન્ટીઓ, જેમાં લોસ એન્જેલસ, ઑરેન્જ, રીવરસાઈડ તથા સેન બર્નાન્ડીનો કાઉન્ટીઓમાં વસતા નડીઆદવાસીઓનું એક વિશાળ જૂથ છે. જે પ્રતિવર્ષ સમર પિકનિક તથા દિવાળી સ્નેહમિલન એમ બે આયોજનો કરે છે. જેમાં મૂળ નડીઆદીઓ ઉપરાંત કાયમી વસેલા આપ્રવાસી નડીઆદીઓ ઉમંગભેર ભાગ લે છે.

ચાલુ વર્ષે રવિવાર તા. ૨૪ જુલાઈના રોજ ઑરેન્જ કાઉન્ટીના ‘બ્યુએના પાર્ક’ સિટી ખાતે આવેલા ‘રાલ્ફ બી  ક્લાર્ક રીજનલ પાર્ક’માં સમર પિકનિકનું ભવ્ય આયોજન થયું હતું.જેમાં આશરે ૨૦૦ જેટલા સભ્યોની વિશાળ હાજરી નોંધપાત્ર હતી.

સવારે ૧૦.૩૦ કલાકે શરૂઆતમાં સૌનું ગરમા ગરમ ગોટા અને કઢી ચટની તથા ચીપ્સ-સાલસા,જલેબી બાદ ચ્હા-કોફીથી સ્વાગત કરવામાં આવ્યું.

પાયોનિયરની સુરતી ફરસાણની પ્રખ્યાત જલેબી પોતાની પૌત્રીના જન્મપ્રસંગ નિમિત્તે શ્રી કેતન ચોકસી પરિવાર તરફથી અમર્યાદિત હતી ગરમીને અનુલક્ષીને કાપેલા ઠંડા તરબૂચનો મારો તો આખો ય દિવસ ચાલુ જ હતો.સાથે સાથે માઈક ઉપર કેરીઆકી સંગીત ગીતો શ્રી કિરણ ચોકસી, શ્રી હિરલ દેસાઈ,શ્રી પનિલ દલાલ વગેરે દ્વારા ચાલુ જ હતાં.

બપોરના લંચ પેટે શ્રી વિરેશ દેસાઈ અને તેમના  ગૃપ તરફથી તાજા એવા વેજીટેબલ સબવે(Subway) વિવિધ રેન્ચ સાથે સૌએ ભરપેટ માણ્યા હતા.વળી સાંજની ચ્હા સાથે પુનઃ ગોટા અને જલેબી પણ સૌએ માણ્યા.

છેલ્લે સાંજના ડીનર પેટે ખુશબુ સભર વઘારેલી ખિચડી,રસાદાર શાક અને મસાલેદાર છાશ સૌએ ભરપેટ માણી હતી. સૌ કોઈ પ્રસન્ન ચિત્તે પ્રસંશા કરતાં થાકતા ન હતા.

સમગ્ર પિકનિક કાર્યક્રમનું સુપર્બ આયોજન કરવામાં શ્રીઅનિલ દેસાઈ, શ્રી વિરેશ દેસાઈ, શ્રી રાકેશ દેસાઈ, શ્રી પનિલ દલાલ,શ્રી ઉપેન પટેલ, શ્રી નિલેશ દેસાઈ તથા શ્રી કિરણ ચોકસી મુખ્ય હતા. તેવું માહિતી શ્રી ગુણવંતભાઈ પટેલ અને તસ્વિર શ્રી કાન્તિભાઈ મિસ્ત્રી,કેલિફોર્નિયાના સૌજન્ય દ્વારા જાણવા મળે છે.

(3:02 pm IST)