Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

ડુપ્લીકેટ સંભાજી બીડી બનાવીને વેચવાના ગુનામાં પકડાયેલ આરોપીઓનો છૂટકારો

 

રાજકોટ તા. ૧ઃ અત્રે ડુપ્લીકેટ સંભાજી બીડીની બનાવટ અને વેંચાણ અંગેના પોલીસ કેસમાં અદાલતે આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ગઇ તા. ર૩/૧૦/ર૦૦૧ ના રોજ ફરીયાદી નરેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ રૃપારેલ દ્વારા રાજકોટ શહેર બી-ડીવીઝનમાં ડુપ્લીકેટ સંભાજી બીડીના લેબલ તથા બીડી બનાવી તેનું વેચાણ કરતા હોય તે અંગેની ફરીયાદ આરોપી અયુબ ઉર્ફે સલીમ ઇબ્રાહીમભાઇ પઠાણ તથા જુબેર આબેદીન કાદરી વિરૃધ્ધ નોંધાવવામાં આવેલ.

સને-ર૦૦૧ની સાલમાં ફરીયાદી નરેન્દ્રભાઇ પ્રભુદાસભાઇ રૃપારેલ જેઓ સંભાજી બીડી પુનાની કંપનીમાં રપ વર્ષથી નોકરી કરતા હોય અને એરીયા મેનેજર હોય તેઓને માહીતી મળેલ કે આ કામના આરોપી અયુ઼બ ઉર્ફે સલીમ ઇબ્રાહીમભાઇ પઠાણ પોતાના કબજા ભોગવટાવાળી જગ્યામાં ડુપ્લીકેટ સંભાજી બીડી બનાવી ડુપ્લીકેટ સંભાજી બીડીના લેબલ બનાવી અને આ ડુપ્લીકેટ સંભાજી બીડીનું વેચાણ કરતા હોય જેની તેઓએ ખરાઇ કરી બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ આપવામાં આવેલ. જેથી તપાસનીશ અધિકારી દ્વારા ફરીયાદીને સાથે રાખી બનાવ વાળી જગ્યાએ રેડ કરવામાં આવેલ અને ડુપ્લીકેટ સંભાજી બીડી તથા તેના લેબલ મળી આવેલ છે તેવું ઠરાવી ફરીયાદ દાખલ કરેલ. આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ-૪૦૬, ૪ર૦, ૪૭ર, ૧ર૦(બી), ૪૮પ, ૪૮૬, ૪૮૭, ૪૮૮ તથા ટ્રેડમાર્ક એકટની કલમ-૭૮, ૭૯ મુજબની ફરીયાદ દાખલ થયેલ. જે અન્વયે પોલીસે તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ કરેલ હતું.

આ કેસમાં ફરીયાદ પક્ષ દ્વારા અલગ અલગ સાક્ષી તથા દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવેલ. તેના આધારે આરોપી સામેનોકેસ સાબીત થતો ન હોય, આ સંજોગોમાં એપેક્ષ કોર્ટ તથા વડી અદાલતોના ચુકાદાઓ ટાંકી અને આરોપીને નિર્દોષ છોડી મુકવા વિનંતી કરેલ. બન્ને પક્ષોની દલીલોને ધ્યાને લઇ અદાલત દ્વારા અયુબ ઉર્ફે સલીમ ઇબ્રાહીમભાઇ પઠાણ તથા જુબેર આબેદીન કાદરીને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામે બન્ને આરોપીઓ તરફે રાજકોટના ધારાશાસ્ત્રી પ્રાણલાલ એમ. મહેતા, રાજેશ કે. મહેતા, ધવલ પી. મહેતા, ગૌરવ પી. મહેતા, સી. વી. અઘેરા, સુરેન્દ્રસિંહ જાડેજા, તથા એમ. એન. ચુડાસમા રોકાયેલા હતા.

(3:09 pm IST)