Gujarati News

Gujarati News

News of Saturday, 1st January 2022

મુખ્‍યમંત્રીના રોડ-શોને સફળ બનાવનારા રાજકોટવાસીઓનો આભાર માનતા કમલેશ મિરાણી

કાર્યક્રમ ઐતિહાસિક બની રહ્યો : મહામંત્રી જીતુભાઇ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર, કિશોરભાઇ રાઠોડે પણ જાહેર આભાર માન્‍યો

 રાજકોટ,તા.૧: સુશાસન પર્વના પૂર્ણાહુતિ પ્રસંગે રાજકોટની મુલાકાતે આવેલા રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને રાજકોટની જનતાએ પોતાના  હ્રદયસિંહાસને  બેસાડયા હતા અને તેમનું ભવ્‍યાતિભવ્‍ય સ્‍વાગત કર્યું હતું તે બદલ ભારતીય જનતા પક્ષના શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમ જ મહામંત્રીઓ જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્ર્‌સિંહ ઠાકુર અને કિશોરભાઈ રાઠોડે રાજકોટની પ્રજાનો અંતઃકરણપૂર્વક આભાર માન્‍યો છે.
 શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ કહ્યું છે કે, પ્રથમવાર રાજકોટની મુલાકાતે આવેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર્‌ભાઈ પટેલને ફૂલડે વધાવવામાં આવ્‍યા હતા અને તેમને રંગીલા રાજકોટને છાજે એવો આવકાર આપ્‍યો હતો. મુખ્‍યમંત્રીના સ્‍વાગત માટે યોજાયેલા રોડ શો દરમિયાન  રાજકોટની પ્રજાએ ખૂબ જ ઉત્‍સાહપૂર્વક ઉપસ્‍થિત રહીને તેમનું અભિવાદન કર્યું હતું. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ની સાથે આવેલા પ્રદેશ અધ્‍યક્ષ સી આર પાટીલ તેમજ ગૃહરાજયમંત્રી હર્ષ સંદ્યવીને ધ્રોલ ખાતે યોજાયેલા ભૂચર મોરીના કાર્યક્રમમાં હાજરી આપવા જવાનું હતું પરંતુ રાજકોટ ભાજપના સંગઠનના આગ્રહને માન આપીને તેઓ મુખ્‍યમંત્રીની સાથે રોડ શોમાં થોડો સમય જોડાયા હતા અને બાદમાં પોતાના નિર્ધારિત કાર્યક્રમ માં જવા રવાના થઇ ગયા હતા.
રાજકોટમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલનો રોડ શો ઐતિહાસિક સાબિત થયો હતો અને રાજકોટની પ્રજા જે રીતે આ રોડ શોમાં ઉમળકાભેર જોડાઈને  રાજકોટની પ્રજાએ ભાજપના સંગઠનને વધુ એક વખત પોતાનું સમર્થન આપ્‍યું છે.
રાજકોટમાં યોજાયેલા રોડ-શો ની સફળતા નું પ્રમાણ મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ના શબ્‍દો ઉપરથી અનુભવી શકાય છે. રાજકોટ શહેર ભાજપના સંગઠને કરેલી અદભુત વ્‍યવસ્‍થાથી મુખ્‍યમંત્રી પ્રભાવિત થયા હતા અને તેમણે કહ્યું હતું કે રાજકોટે વટ રાખી દીધો છે. રાજકોટના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાદ્યાણીએ પણ સમગ્ર આયોજનને નિહાળીને જમાવટ કરી છે તેવા ઉદગારો વ્‍યક્‍ત કર્યા હતા તો ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ દ્યણા પ્રભાવિત થયા હતા અને તેમણે સમગ્ર ગુજરાતમાં રાજકોટ ભાજપ વધુ મજબૂત છે તેવો મત વ્‍યક્‍ત કર્યો હતો તેમણે તો શહેરના સંગઠનને આટલા સુંદર આયોજન બદલ .અભિનંદન પણ આપ્‍યા હતા.શહેર ભાજપના કાર્યકરોનો ઉત્‍સાહ પણ બેવડાઈ ગયો છે.
કમલેશભાઈએ જણાવ્‍યુ છે કે આ રોડ શોને સફળ બનાવવા માટે ભાજપના તમામ શ્રેણીના કાર્યકરોએ રાત દિવસ મહેનત કરી હતી અને તેમની મહેનત પણ લેખે લાગી છે અને રોડ શો ને ચાર ચાંદ લાગી ગયા હતા. આ ઉપરાંત રોડ શો નો હિસ્‍સો બનનાર રાજકોટની સમાજસેવી સંસ્‍થાઓ, તેના હોદેદારો, વેપારી મંડળો, સામાજિક સંગઠનો, જ્ઞાતીમંડળો, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, રાજકોટ મહાનગરપાલિકાનો પણ આગેવાનોએ જાહેર આભાર માન્‍યો છે. રાજકોટના પ્રેસ-મીડિયાએ પણ આ કાર્યક્રમોને સુંદર કવરેજ આપ્‍યું છે તેથી તેમનો પણ આભાર માનવામાં આવ્‍યો છે. રોડ શો દરમિયાન ગોઠવવામાં આવેલી જાહેર વ્‍યવસ્‍થામાં પણ રાજકોટની પ્રજાએ સુંદર સહયોગ આપ્‍યો હતો અને રાજયના લોકલાડીલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલને વધાવ્‍યા હતા તે બદલ ફરી એક વખત રાજકોટવાસીઓનો આભાર માનવામાં આવ્‍યો છે.

 

(3:32 pm IST)