Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

ઢોલરા દર્શન કરવા જતી વખતે હુડકો ચોકડી પાસે અકસ્માતઃ પેડક રોડના રણછોડભાઇ નશીતનું મોતઃ મિત્રનો બચાવ

રોડ ડિવાઇડર વચ્ચેથી અચાનક મહિલાઓ રોડ પર આવતાં બચાવવા જતાં બાઇક ફંગોળાઇ ગયાનું બચી ગયેલા મિત્ર લક્ષમણભાઇનું કથનઃ અન્ય એક અકસ્માતમાં કારની ઠોકરે બાઇક ચડી જતાં બે યુવાનને ઇજા

રાજકોટ તા. ૧: ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી તરફના રસ્તા પર સાંજે સવા ચારેક વાગ્યે બાઇક ફંગોળાઇ જતાં ચાલક પેડક રોડ સંત કબીર સોસાયટીના રણછોડભાઇ નાથાભાઇ નશીત (ઉ.વ.૫૫)નું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. જ્યારે રણછોડભાઇના બાઇકની પાછળ બેઠેલા તેમના મિત્ર લક્ષણભાઇ આંબાભાઇ પીપળીયા (ઉ.વ.૬૬)નો નજીવી ઇજા સાથે બચાવ થયો હતો.

અકસ્માતમાં ઘાયલ થયેલા રણછોડભાઇ નશીતને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દીધો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. રણછોડભાઇના બાઇકની પાછળ બેઠેલા તેમના પડોશી-મિત્ર લક્ષણભાઇએ જણાવ્યું હતું કે અમે બંને મિત્રો ઢોલરા રામદેવપીરના મંદિરે દર્શન કરવા જવા નીકળ્યા હતાં.

ગોંડલ રોડ ચોકડીથી હુડકો ચોકડી વચ્ચેના રોડ પરથી પસાર થતાં હતાં ત્યારે રોડ ડિવાઇડર વચ્ચે ઉગાડેલા નાના ઝાડની વચ્ચેથી અચાનક બે ત્રણ મહિલા રોડ પર આવી જતાં તેમને બચાવવાના પ્રયાસમાં રણછોડભાઇએ કાબુ ગુમાવ્યો હતો અને અમે બંને બાઇક પરથી ફંગોળાઇ ગયા હતાં. જેમાં તેમને ગંભીર ઇજા થઇ હતી. રણછોડભાઇ ઇમિટેશનનું કામ કરતાં હતાં. તેઓ બે ભાઇ અને ત્રણ બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.

અન્ય અકસ્માતમાં બે યુવાનને ઇજા

હુડકો ચોકડીથી આજીડેમ ચોકડી તરફ જતાં રસ્તા પર સ્વીફટ કારના ચાલકે એક બાઇકને ઉલાળતાં બાબરીયા કોલોની-૧ના અજયસિંહ અરવિંદસિંહ ઝાલા (ઉ.વ.૨૯) તથા રામપર પડધરીના કિશોરભાઇ પ્રભુદાસભાઇ નિમાવત (ઉ.વ.૪૦)ને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આજીડેમ પોલીસને જાણ કરવામાં આવી હતી.

(11:12 am IST)