Gujarati News

Gujarati News

News of Monday, 1st February 2021

કુટણખાનું ચલાવવાના ગુનામાં આરોપીની ''ચાર્જશીટ'' પછીની જામીન અરજી નામંજુર

પરપ્રાંત્રિય યુવતિઓ પાસે દેહવિક્રયનો ધંધો કરાવીને

રાજકોટ તા. ૧: પરપ્રાંતીય યુવતીઓ રાખી રહેણાંક વિસ્તારમાં કુટણખાનું ચલાવનાર આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરવાનો સેસન્સ કોર્ટે હુકમ કર્યો હતો.

પોલીસની સચોટ બાતમી મળતા ડમી ગ્રાહક મોકલી પંચનાથ પ્લોટ શેરી નં. ૧૧ માં આવેલ મકાનમાં દરોડો પાડતા ત્યાં હાજર આરોપી તિર્થરાજસિંહ ઉર્ફે સિધ્ધરાજસિંહ મહાવીરસિંહ ગોહેલ મુંબઇ મહારાષ્ટ્રની ચાર યુવતીઓ પાસે દેહ વિક્રયનો ધંધો કરાવતો હતો અને તે ગુન્હામાં પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કરેલ જેલમાંથી આરોપીએ ચાર્જશીટ થઇ જતા જામીન મળવા માટે જામીન અરજી કરેલ.

આ જામીન અરજી સામે સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા હાજર થયેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે આરોપી સામે સમાજ વિરોધી ગુન્હો છે અને આરોપી સામે પુરતો પુરાવો મળી આવેલ છે તેથી જ ચાર્જશીટ કરવામાં આવેલ છે. જો આરોપીને જામીન આપવામાં આવશે તો ફરી આવા ગુન્હા કરશે તે રજુઆતને ધ્યાને લઇ સેસન્સ જજ શ્રી ડી. કે. દવે આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ કરેલ છે.

આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા.

(3:01 pm IST)