Gujarati News

Gujarati News

News of Wednesday, 1st February 2023

હીરાસર એરપોર્ટને લઈ મોટા સમાચારઃ એરપોર્ટની કામગીરી ૯૦ ટકા પૂર્ણ, ફ્રેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં રનવે ટેસ્ટિંગ થશે

આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણથી મોટી સંખ્યામાં નોકરીઓ તેમજ નિકાસને વેગ મળવાની અપેક્ષા છે

રાજકોટ, તા.૩૧: રાજકોટના હીરાસર એરપોર્ટની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આ એરપોર્ટ ૨ મહિનામાં બનીને તૈયાર થઈ જશે. હીરાસર એરપોર્ટની કામગીરી અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે, હીરાસર એરપોર્ટની કામગીરી લગભગ ૯૦ ટકા પૂર્ણ થઈ ગઈ છે. ટૂંક સમયમાં હીરાસર એરપોર્ટ પર ફ્લાઇટ ટેસ્ટિંગની કામગીરી શરૃ કરવામાં આવશે. જેનું DGCI દ્વારા ટેસ્ટિંગ થશે અને ફલાઇટ ટેસ્ટીંગ બાદ DGCI આ એરપોર્ટને ઉડ્ડયન માટેનું પ્રમાણપત્ર અપાશે. આગામી એક પખવાડિયામાં DGCI પાસે તમામ મંજૂરીની પક્રિયા પૂર્ણ કરી લેવામાં આવશે. જે બાદ બે મહિનામાં એટલે કે સંભવત એપ્રિલ સુધીમાં ડોમેસ્ટિક ફ્લાઈટ શરૃ થશે અને ફ્રેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રનવે ટેસ્ટિંગ થશે. તમને જણાવી દઈએ કે, PM મોદીનું હીરાસર ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ડ્રિમ પ્રોજેક્ટ છે.થોડાદિવસ અગાઉ કલેક્ટરે તેમજ પ્રાંત અધિકારી સંદીપ વર્મા દ્વારા હિરાસર એરપોર્ટ પર ચાલતી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ એરપોર્ટ ઓર્થોરીટીના જનરલ મેનેજર તેમજ ડેપ્યુટી જનરલ મેનેજર સાથે ચર્ચા કરી હતી. ત્યારે એરપોર્ટ પર પાર્કિંગ, કમ્યુનિકેશન બિલ્ડીંગ સહિતની કામગીરીની કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.  રાજકોટ એ ગુજરાતનું ચોથું સૌથી મોટું શહેર છે તેમજ સૌરાષ્ટ્રની કોમર્શિયલ રાજધાની પણ છે. આ નવા એરપોર્ટથી સૌરાષ્ટ્રનાં કુલ ૧૨ જિલ્લાઓને ફાયદો થશે. કારણ કે રાજકોટ અને તેની આસપાસના વિસ્તારો મેન્યુફેક્ચરિંગનું હબ છે કે જે એર કનેક્ટિવિટી પર નિર્ભર છે. તેમજ આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણથી મોટી સંખ્યામાં નોકરીઓ તેમજ નિકાસને વેગ મળવાની અપેક્ષા છે.

(5:18 pm IST)