Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

માલવીયા કોલેજ-માલવીયા પંપના સંચાલક વિશાલ શાહે દારૂ પી મટન ખાઇ પત્નિ પર ત્રાસ ગુજાર્યોઃ વારંવાર માફ કર્યો પણ સુધરે એ બીજો

૨૦૦૫માં પરણેલા તન્વીબેન માટે સાસરિયામાં સુખ થોડા દિવસ જ હતું: એ પછી સતત ત્રાસ શરૂ થયોઃ ૨૦૧૪માં ત્રાસની ફરિયાદ કરીઃ વિશાલે માફી માંગતાં ફરિયાદ પાછી ખેંચીઃ ફરી ત્રાસ શરૂ થયોઃ ૨૦૧૫માં છુટાછેડા લીધા, ફરી વિશાલે માફી માંગતા જુન-૨૦૨૦માં તેણીએ ફરી લગ્ન કર્યા...પણ વિશાલે સુધવારનું નામ ન લીધું, ફરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુઃ છ માસથી માવતરે રહેતી પત્નિ અંતે ફરિયાદ નોંધાવવા મજબૂર થઇ : ૧૯/૩ના રાતે વિશાલે પત્નિ તન્વીના માવતરે જઇ પાર્કિંગમાં રાખેલા વાહનોમાં અને ઘરની બારીઓમાં તોડફોડ કરી નુકસાન કર્યુઃ અગાઉ થયેલી અરજી અંતર્ગત ૧૫૧ હેઠળ વિશાલની અટકાયતઃ ગુનામાં ધરપકડ બાકી વિશાલ તેના બા-બાપુજીની પણ માનતો નહિ, તેના બાપુજીને પણ મારકુટ કરી લેતો

રાજકોટ તા. ૧: શહેરની જાણીતી માલવીયા કોલેજના અને માલવીયા પેટ્રોલ પંપના સંચાલક કાલાવડ રોડ પર કટારીયા ચોકડી નજીક ઇસ્કોન મંદિર પાછળ ઓર ફલેટમાં ૧૧મા માળે ફલેટ નં. ડી-૧૦૩માં રહેતાં વિશાલ મનોજભાઇ શાહ વિરૂધ્ધ તેની પત્નિી તન્વીબેન (તે બિપીનભાઇ રતિલાલ ઘાટલીયાના દિકરી)એ આઇપીસી ૪૯૮ (ક), ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૪૪૮ મુજબ ત્રાસ નાની નાની વાતે ઝઘડો કરી ગાળો દઇ મારકુટ કરી શારીરિક માનસિક ત્રાસ આપી તેમજ તેણી પોતાના પિતાના ઘરે હોઇ ત્યાં ગેરકાયદેસર પ્રવેશ કરી પાર્કિંગમાં રાખેલા મોટરસાઇકલ અને મકાનના કાચની બારીમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યાનો ગુનો નોંધાતા ચકચરા જાગી છે. વિશાલ શાહ અને તેના પિતા વિરૂધ્ધ અગાઉ પી.ડી. માલવીયા કોલેજન ટ્રસ્ટી અને માલવીયા પંપના માલિક વસંતભાઇ માલવીયાનું બોગસ વીલ ઉભુ કર્યાનો ગુનો નોંધાતા તેની ધરપકડ પણ થઇ હતી.

 તન્વીબેન ( ઉ.વ-૩૮-રહે. ઓર' ફલેટ અગીયારમા માળે ઈસ્કોન મંદિર પાસે કાલાવડ રોડ રાજકોટ તથા ફલેટ ડી. ૧૦૩ કટારીયા ચોકડી સવન સ્ટેટસની બાજુમાં કાલાવડ રોડ રાજકોટ તથા હાલ રહે. હાલ પિતાના ઘરે ૪૬, સુપાર્શ્વ બંગલો એ.જી. સોસાયટી શેરી નં.૫, કાલાવડ રોડએ ફરિયાદમાં જણાવ્યું છે કે હુ ઉપર લખ્યા સરનામે મારી દિકરી ૧૨ વર્ષની દિકરી સાથે મારા માતા પિતાની સાથે આશરે છ માસથી રહુ છુ અને ઘરકામ કરું છું. હું એક બહેન અને મારે એક ભાઈ તપન છે. તેમના લગ્ન થઈ ગયેલ છે. હું બી.એસ.સી બાયોટેક માઈક્રોબાયોલોજી.ડી.એમ.એલ. ટી.ડી. એલ. એડ સુધી ભણેલી છું.

મારા લગ્ન સને-૨૦૦૫ની સાલમા મનોજભાઇ શાહના દિકરા વિશાલ શાહ સાથે અમારી જ્ઞાતીના રીત રીવાજ મુજબ થયેલા છે આ લગ્ન જીવનથી મારે સંતાનમાં એક દિકરી  ૧૨ વર્ષની છે અને લગ્ન બાદ હુ મારા સાસરે રહેતી હતી અને આ અને થોડા ટાઇમ મારો ઘર સંસાર સારી રીતે ચાલેલ ત્યારબાદ આ મારા પતિ વિશાલ જે દારૂ તેમજ માંસ મટન ખાતો તે મને ખબર પડતા મે તેને આ બાબતે સમજાવતા પતિ વિશાલ મારી સાથે ઝગડો કરતા અને અમો સયુકત કુટુંબમાં રહેતા હોઇ જેથી મે આ બાબતેની મેં મારા સાસુ સસરાને પણ વાત કરેલી. પણ વિશાલ મારા સાસુ સસરાનું પણ માનતો નહિ ઉલટાનું મારા પતિ તેના બાપુજીને એટલે કે મારા સસરાને મારતો આવું ઘણો ટાઇમ ચાલ્યું હતું. જેથી આ વિશાલના ત્રાસથી હુ બે વખતે મારા માતા પિતાના ઘરે રિસામણે આવેલ હતી અને આ વિશાલ બને વખત સમાધાન કરી તેડી ગયેલ અને સાસરે ગયા બાદ થોડો ટાઇમ વિશાલ મારી સાથે સારી રીતે વર્તન કરતો પછી પહેલાની જેમ દારૂ પી આવી  મને મારી ત્રાસ આપતો જેથી મે ૨૦૧૪ની સાલમા મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ તથા સાસુ-સસરા વિરૂધ્ધમા શારીરિક તેમજ માનસીક ત્રાસ આપવા અંગેની ગુ.૨, નં.-૬૬/૧૪ આઇ. પી. સી. કલમ-૪૯૮(ક), ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા દહેજધારા કલમ-૩,૭ મુજબની તા. ૨૯/૦૩/૨૦૧૪ ના રોજ ફરિયાદ નોંધાવેલ હતી.

એ ગુનામાં મારા પતિ તથા સાસુ સસરાની ધરપકડ કરવામાં આવેલ હતી. અને તા. ૧૮/૦૪/૨૦૧૫ ના રોજ અમારે ઘરમેળે સમજુતી થતા મેં તથા વિશાલે આ ફરિયાદ હાઇકોર્ટમાં વોશીંગ (રદ) કરાવેલ હતી. આ પછી પણ મારા પતિનો ત્રાસ ચાલુ રહેતા મે સને-૨૦૧૯ની સાલમાં પતિ વિશાલ સાથે છુટાછેડા લીધેલ હતા. એ પછી હું મારા માતા પિતાના ઘરે રહેતી અને છુટાછેડા થઈ ગયા બાદ પણ મારા પતિ વિશાલ મારી દિકરી સાથે દરરોજ ફોનથી વાતો કરતા અને મારી સાથે પણ ફોનમાં વાત કરતા અને ફોનમા મને કહેતા કે મારી ભુલ થઇ ગઇ હવે પછી આવુ નહિ થાય તું મને મળવા આવ જેથી હુ તથા મારી દિકરી આ મારા પતિ વિશાલને માલવીયા પેટ્રોલ પંપે મળવા ગયેલ હતા. ત્યાં મારા પતિ વિ શાલે મને જણાવેલ કે હું દારૂ કે માંસ મટન નહિ ખાવ અને હુ સુધરી ગયો છું, હું તને કોઇપણ પ્રકારનો ત્રાસ નહિ આપુ તેવી વાત કરીહતી.

જેથી મે મારા પતિ વિશાલને કહેલ કે આ બાબતે મારે મારા માતા પિતાને પુછવુ પડે અને તેની મારે રજામંદિ લેવી પડે જેથી વિશાલે કહેલ કે કોઇ વાંધો નહિ જેથી હુ તથા મારી દિકરી પ૨ત મારા માતા પિતાના ઘરે આવેલ અને વિશાલે મને જે વાત કરેલ તે વાત મે મારા પિતાને કરેલ અને કહેલ કે વિશાલે મને કહેલ કે હું સુધરી ગયેલ છુ અને દારૂ કે માસ મટન નહિ ખાવ અને તેને કોઇ પણ પ્રાકરનો ત્રાસ નહિ આપુ તેવુ કહેલ અને તેની ભૂલ તે સ્વીકારે છેઅને ફરીથી લગ્ન કરવા માટે મને કહેલ તેવુ મે મારા માતા પિતાને જણાવતા મારા માતા પિતાએ કહેલ કે જો તારો ઘર સંસાર સુધરતો હોય તો લગ્ન કરવામાં અમોને કોઈ વાંધો નથી. જેથી બીજા દિવસે વિશાલને ઘરે બોલાવેલ અને લગ્ન બાબતેની ચર્ચા કરેલ અને વિશાલે મારા માતા પિતા પાસે પણ તેની ભૂલ સ્વીકારેલ જેથી મારા માતા પિતાની રજામંદિ થી જુન-૨૦૨૦ની સાલમાં રાજી ખુશીથી મોટાવડા ગ્રામ પંચાયતમાં અમોએ બીજા લગ્ન કરેલ હતા અને લગ્ન બાદ અમારો ઘરસંસાર સારી રીતે ચાલેલ પરંતુ ત્યાર બાદ પતિ વિશાલે ફરીથી પહેલાની જેમ દારૂ પી અને ઘરે આવતા અને મારી સાથે ઝગડા કરતા અને માર મારી ગાળો આપતા જેથી આજથી છએક માસથી હુ તથા મારી દિકરી મારા માતા પિતાના ઘરે રિસામણે આવેલ છીએ.

ફરિયાદમાં તન્વીબેને આગળ જણાવ્યું છે કે તા. ૧૯/૦૩/૨૧ ના રોજ અમારે ત્યા મહેમાન આવેલા હોય જેથી અમો બધા ગીરીરાજ રેસ્ટોરન્ટમાં રાત્રીના જમવા માટે ગયેલ હતા તે દરમ્યાન રાત્રીના આશરે સાડા નવેક વાગ્યે મારા મમ્મીના મોબાઇલ પર પાડોશી સરોજબેન પટેલનો ફોન આવેલ અને મારા પપ્પાએ તેમની સાથે વાત કરી અમોને વાત કરેલ કે, તમારા જમાઇ વિશાલ અને તેની સાથે એક વ્યકિત ગાડીમા તમારી ઘરે આવેલ છે. જેમાં તમારો જમાઇ દિકરી કયાં છે? તેવું જોશથી બોલી અને ઘરમાં જઈ પાર્કિંગમાં ૫ડેલ બુલેટ, એકટીવા, સ્કુટી તથા સાઇકલને પછાડી નાખ્યા છે અને મકાનની બારીના કાચમાં ઇંટોના ઘા કરી તોડી નાખેલ છે. જેથી તમો તમારા આવી જાવ.

આ વાત સાંભળતા જ મારા પપ્પા તથા મારા ભાઇએ ઘરે જઈ ને જોતા ઘરમાં મોટરસાઇકલ નીચે પડેલ હતા, અને બારીના કાચ તુટેલ હતા જેથી ૧૦૦ નંબર પર ફોન બોલાવેલ અને પોલીસની ગાડી બોલાવેલ અને યુ નીવર્સીટી પોલીસ સ્ટેશન ગયેલ ત્યાં મારા પપ્પાએ અરજી આપેલ અને પછી મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલ હતી, જે અરજી અનુસંધાને અમને પતિ-પત્નિને કાઉન્સેલીંગ માટે બોલાવાયા હતાં. પણ પતિ વિશાલનો સ્વભાવ ક્રોધી હોઇ હું હવે તેની સાથે સમાધાન કરવા રાજી ન હોવાથી અને તે ફરીથી આવુ કરશે તેવો મને સતત ભય હોઇ જેથી પતિ વિરૂધ્ધ ફરિયાદ કરી છે.

મહિલા પોલીસ મથકના પીઆઇ એસ. આર. પટેલની રાહબરીમાં એએસઆઇ વી. જી. બારીયાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉ તન્વીબેને અરજી કરી એ અરજીને આધારે વિશાલ સામે ૧૫૧ હેઠળ અટકાયતી પગલા લેવાઇ ચુકયા હતાં. હવે આ ગુનામાં તેની ધરપકડની તજવીજ કરવામાં આવશે.

(11:04 am IST)