Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજકોટ એરપોર્ટ ખાતે ટેસ્ટ શરૃઃ પ્રથમ દિવસે જ ધમાલઃ ૧પ મુસાફરોએ સરકારી ટેસ્ટનો આગ્રહ રાખતા ૪ કલાક બેસાડી રખાયાઃ ભારે દેકારો

સ્પાઇસ જેટની દિલ્હીથી રાજકોટ આવતી ફલાઇટમાં ૮૦ મુસાફરો હતાઃ ૩૦ તો RT-PCR વગરના નિકળ્યા : જે ૧પ મુસાફરોએ ટેસ્ટ કરાવ્યો તેમને જવા દેવાયાઃ અન્ય ૧પ મુસાફરોએ ૮૦૦ રૂ. ભરવાની ના પાડી દેતા એરપોર્ટમાં બેસાડી દેવાયા : ૩ થી ૪ કલાક ધમાલ બાદ કોર્પોરેશનની ટીમો દોડી આવીઃ તમામને પદ્મકુંવરબા હોસ્પીટલ લઇ જવાયાઃ આ લોકો દ્વારકા- સોમનાથ ફરવા આવ્યા છેઃ પોલીસ પહેરા હેઠળ લઇ જવાતા ભારે કચવાટ

રાજકોટ RT-PCR ટેસ્ટ શરૂ કરાયા છે. પ્રથમ દિવસે જ એરપોર્ટ પર સવારે ધમાલ થઇ હતી. ૧૪ થી ૧પ મુસાફરોએ રૂ. ૮૦૦ ભરવાની ના પાડતા અને સરકારી કેસનો આગ્રહ રાખતા એરપોર્ટ સતાવાળાઓએ આ તમામ ૧૪ થી ૧પ મુસાફરોને બેસાડી રાખતા ભારે ધમાલ થઇ હતી. તે ઉપરની તસ્વીરમાં નજરે પડે છે. નીચેની તસ્વીરમાં પદ્મકુંવરબા હોસ્પીટલ ખાતે આ મુસાફરોના ટેસ્ટ થઇ રહયા છે તે નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧: આજથી રાજકોટ એરપોર્ટ-એસટી અને રેલ્વે સ્ટેશન ઉપર ગુજરાત બહારથી આવતા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજીયાત બનાવી દેવાયો છે. જો જે મુસાફરોએ ૭૨ કલાક પહેલા ટેસ્ટ નહી કરાવ્યો હોય અને સર્ટીફીકેટ નહી હોય તો તેમને ટેસ્ટ વગર રાજકોટમાં એન્ટ્રી જ નહી મળે તેવી સુચના-આદેશો બાદ કડક ચેકીંગ પોલીસ અને કોર્પોરશનની ટીમ દ્વારા શરૂ કરી દેવાયું છે.

દરમિયાન આજે રાજકોટ એરપોર્ટ પર RT-PCR ટેસ્ટ બાબતે ભારે ધમાલ પ્રર્વતી ગઇ છે.

સવારે ૮ વાગ્યે દિલ્હીથી રાજકોટ આવતી સ્પાઇસ જેટની ફલાઇટમાં ૮૦ આસપાસ મુસાફરો આવી પહોંચ્યા હતા. પરંતુ તેમાં ૩૦ થી ૩પ મુસાફરો RT-PCR ટેસ્ટ વિનાના નીકળતા આ તમામને એરપોર્ટની અંદર રોકી દેવાયા હતા.

દરમિયાન આ ૩૦ થી ૩૫ મુસાફરોના RT-PCR ટેસ્ટ માટે એરપોર્ટ સતાવાળાઓએ રાજકોટની માનસી ભટ્ટ લેબોરેટરીમાં ડોકટર અને નર્સીગ સ્ટાફને બોલાવ્યા હતા. આ સ્ટાફ દ્વારા ૧પનો ટેસ્ટ કરી તેમને ઘરે જવા દેવાયેલ. પરંતુ અમુક ૧૪ થી ૧પ મુસાફરોએ સરકારી ટેસ્ટનો જ આગ્રહ રાખતા અને રૂ. ૮૦૦ દેવાની ના પાડતા ભારે ધમાલ થઇ હતી. આ તમામને એરપોર્ટની બહાર નહી જવા દેવાતા એરપોર્ટ સતાવાળાઓ અને આવેલ મુસાફરો વચ્ચે શાબ્દીક ટપાટપી થવા પામી હતી. સવારે ૮ વાગ્યે આવેલ મુસાફરોને સતત ૩ કલાક બેસાડી દેવાયા હતા. મુસાફરોમાં ભારે રોષ હતો. તો સામે એરપોર્ટ સતાવાળાઓ પણ ભારે મક્કમ હોય ભારે ધમાલ થઇ હતી.

દરમિયાન ૪ કલાક મુસાફરોને બેસાડાયા બાદ રાજકોટ મ્યુ. કોર્પોરેશનની ટીમ બોલાવાઇ હતી. ડો.વાજા અને તેમનો સ્ટાફ એરપોર્ટ દોડી ગયો હતો અને આ તમામ ૧૪ થી ૧પ મુસાફરોને ગુંદાવાડી પાસે આવેલ પદ્મકુંવરબા હોસ્પીટલ ખાતે  RT-PCR ટેસ્ટ માટે લઇ જવાયા હતા. જયાં સાધનો ન હોય, વધુ ૧ કલાક બેસવું પડયું હતું. આ પછી કોર્પોરેશન ટીમે ટેસ્ટીંગ શરૂ કર્યા હતા. આ તમામ મુસાફરો દિલ્હીથી રાજકોટ અને અહીથી દ્વારકા-સોમનાથ દર્શન માટે આવ્યા છે. તમામને એરપોર્ટથી પોલીસ પહેરા હેઠળ પદ્મકુંવરબા હોસ્પીટલ લઇ જવાયા હતા. જયાં બપોરે ૧ર થી ૧ વાગ્યા વચ્ચે ટેસ્ટીંગ કર્યા બાદ તેમને જવા દેવાશે.

(3:02 pm IST)