Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આજથી રાતના ૯ પછી ઘર બહાર રહેશો તો થશે કાર્યવાહીઃ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ

અનલોક-૧૧ અને કર્ફયુનું નવું જાહેરનામુ અમલીઃ કર્ફયુ સમયમાં મહિલા કોલેજ સિવાયના અન્ડરબ્રિજ અને કૈસર-એ-હિન્દ પુલ સિવાયના તમામ પુલ પણ બંધ રહેશે

રાજકોટ તા. ૧: કોરોનાના વધી રહેલા સંક્રમણને કારણે રાજ્યના અન્ય ત્રણ  મહાનગરોની જેમ રાજકોટમાં પણ રાત્રી કર્ફયુનો સમય એક કલાક વધારી દેવામાં આવ્યો હોઇ હવેથી રાતના ૧૦ના બદલે રાતના ૯થી સવારના ૬ સુધી કર્ફયુ અમલમાં રહેશે. તે સાથે અનલોક-૧૧નું જાહેરનામુ પણ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલે બહાર પાડ્યું છે. સરકારની માર્ગદર્શિકા મુજબ તમામ શહેરીજનોને નિયમોનું પાલન કરવા તેમણે અનુરોધ કર્યો છે. નિયમોનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજથી રાતના ૯ પછી કોઇ અત્યંત મહત્વના કે યોગ્ય કારણ વગર ઘર બહાર રહેશે તો કર્ફયુ ભંગની કાર્યવાહી કરવામાં આવશે.

કર્ફયુના સમયગાળામાં માત્ર મહિલા કોલેજ અન્ડર બ્રિજ એક જ ખુલો રહેશે. એ સિવાયના તમામ અન્ડર બ્રિજ બંધ રહેશે. તેમજ કૈસરે-હિન્દ-પુલ સિવાયના તમામ પુલ પણ બંધ રહેશે. રાત્રીના ૯થી કર્ફયુનો અમલ તા. ૧ થી ૧૫ એપ્રિલ સુધીનો હાલ પુરતો છે. એ પછી નવો આદેશ થશે.

(12:54 pm IST)