Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

મહિલાની જાળમાં ફસાયેલા વેપારી કલ્પેશ ચોટલીયાની ન્યાય માટે વધુ એક ફરિયાદ

સતત અરજીઓ છતાં કોઇ પગલા ન લેવાયાનો આક્ષેપઃ તાકીદે પગલા ભરવા માંગણી

રાજકોટ તા. ૧: ઢેબર રોડ ગુરૂકુળ સામે ગીતાનગર-૧ હરિકૃષ્ણ નિવાસ ખાતે રહેતાં   કલ્પેશ હસમુખભાઇ ચોટલીયાએ પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી ભાવિકા  તથા ધવલ ચાંગેલાએ પોતાને ફસાવી બ્લેકમેઇલીંગનો કારસો ઘડી રકમ પડાવવા ભય ઉભો કર્યાની રજૂઆત કરી ન્યાયની માંગણી કરી છે.

કલ્પેશે લેખિત ફરિયાદમાં જણાવ્યું છે કે મારે ગોંડલ રોડ ચોકડી પાસે રીટેલ હાઉસવેર દૂકાન હોઇ મારી દૂકાનેથી ભાવીકાના પતિ પાણીની ટાંકીની ખરીદ કરી ગયેલ.  એ ટાંકી પર મારા મોબાઇલ નંબર હોઇ તેના આધારે તેણીએ કોન્ટકે્ટ કરી વાતચીત કરી મિત્રતા કેળવી હતી. એ પછી અવારઅનવાર બહાર મળવા બોલાવી પ્રેમનું નાટક કરતાં હું તેમાં ફસાઇ ગયો હતો. પહેલા તો તેણે ઉછીના પૈસા માંગ્યા હતાં. તેમજ તેણે પોતાના પતિને દારૂની ટેવ છે, પુરતી આવક નથી છોકરાની શાળાની ફી, લોનના હપ્તા ભરવાના છે એવી વાતો કરી પાંચ હજાર, દસ હજાર, વીસ હજાર જેવી રકમો માંગવાનું શરૂ કર્યુ હતું. આ રકમ બાદમાં ઉછીના પેટે લીધી હોઇ પ્રારંભે પરત પણ કરી દીધી હતી. પરંતુ બાદમાં મોટી રકમ લઇ પાછી આપી નહોતી.

અમે તેની પ્રેમજાળમાં ફસાઇ ગયા હોઇે મદદ કરવાના હેતુથી રકમો આપી હતી. પરંતુ ધીમે ધીમે તેની રકમની માંગણી મોટી થઇ ગઇ હતી. લોનના હપ્તા ભરવા બે લાખ માંગ્યા હતાં. તે પણ આપી હતી. એ પછી અલગ અલગ કારણો બતાવી પાંચ લાખ જેવી રકમ મેળવી લઇ સતત બ્લેકમેઇલીંગ ચાલુ કર્યુ હતું. ૪/૧૧/૨૦ના રોજ આ અંગે લેખિત ફરિયાદ પોલીસ કમિશનરશ્રીને કરતાં તાલુકા પોલીસને તપાસ કરવા અરજી મોકલાઇ હતી. પરંતુ ત્યાં ભાવીકાએ ઉલ્ટાની મારા વિરૂધ્ધ વાહન ચોરીની ખોટી ફરિયાદ કરી ફીટ કરી દેવા ધમકી આપી હતી. આ રીતે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાંથી વાહનચોરીની ફરિયાદ સંબંધે અમને બોલાવીને પોલીસ સ્ટેશને લઇ જવાય હતાં. અમારી દૂકાને પછીથી સતત ભાવીકા તથા તેના સગા સહિતના ધમકીઓ આપતાં હોઇ તેના સીસીટીવી ફૂટેજ પણ છે. વ્હોટસએપથી પણ ધમકીઓ અપાઇ છે. પરંતુ કોઇ કાર્યવાહી પોલીસ કરતી નથી.

એડવોકેટ જતીન ડી. કારીયાએ તેમના લેટરપેડ પર અરજી સાથે જણાવ્યું છે કે હનીટ્રેપમાં ફસાયેલા યુવાનને પોલીસ બહાર કાઢવા માંગતી ન હોઇ તેવી સ્થિતિ ઉભી થઇ છે. આનો લાભ લઇ ભાવિકા સતત ફરિયાદી ભોગ બનનાર યુવાનને હેરાન કરી પૈસા પડાવે છે. અમે વધુ એક લેખિત ફરિાયદ ૨૬/૩/૨૧ના કરી હોઇ આ અંગે તાત્કાલીક પગલા ભરવા માંગણી છે.

(12:56 pm IST)