Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

જંગલોમાં લાગતી કુદરતી આગથી પર્યાવરણને થતાં નુકશાન ભરપાઇ કેમ થશે ?

ગ્લોબલ વોર્મિંગ લીધે ગરમીનું પ્રમાણ વધતા સૂકા ડાળખાઓ અથડાવાથી જંગલોમાં અચાનક આગ લાગી જાય છે

હાલમાં આપણે જોઈ રહ્યા છીએ કે વિશ્વભરમાં અનેક દેશોમાં જંગલોમાં આગ લાગી રહી છે. વિશ્વના વિવિધ દેશોમાં કુદરતી રીતે જંગલોમાં આગ લાગી રહી છે. હાલમાં નેપાળમાં પાંચ દિવસ માટે શાળાઓ બંધ થઈ. કોરોનાનાં કારણે નહીં પરંતુ આસપાસના જંગલોમાં લાગેલી આગનાં  કારણે...ડુંગરાળ જંગલોમાં લાગેલી આગના લીધે  દેશભરમાં ધુમાડાની અસરના કારણે વાતાવરણ ધૂંધળું બન્યું. અને શાળાઓ બંધ કરવી પડી વાતાવરણમાં એર કવોલિટી ઈન્ડેકસનો આંક ઉચો ગયો. આપણે જાણીએ છીએ કે માણસને શ્વાસ માટે શુદ્ઘ હોવા જોઇએ છે.

આ  માટે વૃક્ષો અને જંગલો ખૂબ અનિવાર્ય છે. શહેરી વિસ્તારમાં અને સામાન્ય જમીન પરથી માણસો વૃક્ષોને બાકાત કરી રહ્યા છે. અને ગ્લોબલ વોર્મિંગના કારણે તથા ગરમીનો પારો વધવાના કારણે જંગલોમાં ઉભા વૃક્ષો ઉનાળા દરમિયાન કુદરતી આગના કારણે નાશ પામે છે. માણસોના આધુનિકરણના કારણે પ્રદૂષણનું પ્રમાણ વધે છે. પરંતુ જંગલોમાં લાગતી કુદરતી આગના કારણે પણ વાતાવરણનું તાપમાન વધે છે. વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધે છે. જંગલોના બળવાથી જે વાયુ ઉત્પન્ન થાય છે એ વાતાવરણમાં ભળવાના કારણે પર્યાવરણને નુકસાન પહોંચે છે. પૃથ્વી નું પર્યાવરણ દિવસે ને દિવસે ખોરવાતું જાય છે. જોખમાતું જાય છે. હિમાલય પરના ઘણા ગ્લેશિયર હવે પીગળવા લાગ્યા છે. હિમાલયનો બરફ પણ દિવસે ને દિવસે પીગળી રહ્યો છે. આ પીગળીને બધું પાણી નીચાણવાળા વિસ્તારોને કેટલાય વિસ્તારોને ડુબાડી દેશે. એક તરફ ભૂકંપ નો ભય આધુનિકરણનો અવિવેકપૂર્ણ  વિસ્તાર કરવો. પૃથ્વીના પર્યાવરણ માટે જોખમી છે. ગરમીનો પારો વરસે ને વરસે  કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. દર વર્ષે વૃક્ષો  જેટલા વવાય કે ઉછેરાય છે એના કરતાં વધુ પ્રમાણમાં વૃક્ષો કપાઇ રહ્યા છે. પ્લાસ્ટિક વેસ્ટનું પ્રમાણ વધી રહ્યું છે.

દરિયાઓ સુધી પ્લાસ્ટિક વેસ્ટ પહોંચી દરિયાઈ જીવો - વનસ્પતિઓને નુકશાન પહોંચાડી રહ્યું છે એક તરફ આ કુદરતી આગ ખૂબ વ્યાપક પ્રમાણમાં આગળ વધે છે. તેને રોકવી પણ મુશ્કેલ હોય છે. હાલમાં ગુજરાતમાં પણ અરવલ્લીમાં, પાટણના ડુંગરમાં તથા ગિરનાર ઉપર આગ લાગવાના બનાવો બન્યા છે. આવી આગ ઉભા વૃક્ષોને ખૂબ મોટા પ્રમાણમાં બાળીને ભસ્મ કરી નાખે છે. માર્ચ મહિનાના સુધીમાં આટલા બધા બનાવો બન્યા હોય તો હજુ તો ઉનાળો વધુ કઠોર બનશે. ત્યારે કેવી હાલત બનશે. ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમીનું પ્રમાણ વધતાં સૂકા ડાળખાઓ અથડાવાથી અચાનક જંગલોમાં આગ લાગી જાય છે. અને પછી તે ધીરે-ધીરે વિકરાળ સ્વરૂપ લઇ ઠેરઠેર સુધી ફેલાઈ જાય છે. અને દિવસોના દિવસો સુધી તે સળગતી રહે છે અને જંગલના ઉભા સૂકા અને લીલા ઝાડવાઓને ભસ્મીભૂત કરી દે છે. તેમાં કેટલાય વન્ય જીવ, પ્રાણીઓ, પક્ષીઓ અને જીવજંતુઓ ભળથુ બની જાય છે...તેનો ધુમાડો પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. આપણે જાણીએ છીએ કે શહેરોમાં પણ દુકાનોમાં, મકાનોમાં કોઈપણ કારણોસર આવી આકસ્મિક રીતે આગ લાગતી હોય છે, ગરમીના કારણે આગ લાગવાના બનાવો ખૂબ વધી રહ્યા છે. આ ગરમીનું પ્રમાણ ઘટાડવા પૃથ્વીના પર્યાવરણને સુરક્ષિત રાખવા વધુ ને વધુ વૃક્ષો વાવી અને ઉછેર કરવા જ પડશે. સાથે સાથે જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓને તથા જીવજંતુઓને બચાવવા માટે આવી આગ લાગતા રોકવી પડશે. તથા આગ લાગે તો તેને તત્કાળ રોકવી જોઈએ. માનવજાત કુદરતી વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ નહીં કરે અને પર્યાવરણ પ્રત્યે કાળજી નહીં રાખે તો ભાવિ પેઢી માટે શુદ્ઘ હવા, શુદ્ઘ પાણી શુદ્ઘ ખોરાક ત્યાં સુધી કે તેમના અસ્તિત્વનો એક ઘેરો સવાલ ઊભો થશે.

      - વનિતા રાઠોડ

      આચાર્ય, શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નં ૯૩, રાજકોટ

(3:08 pm IST)