Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

શહેરમાં કોરોનાની ધમાલ : ખાનગી હોસ્પિટલો ફુલ : તંત્ર હાંફી રહ્યું છે

છેલ્લા અઠવાડિયામાં દરરોજ ૨૦૦ કેસ : ધન્વંતરી - સંજીવની રથની સેવા કથળી : હવે હોમ આઇસોલેટેડ દર્દીની હાલત પૂછવાવાળુ કોઇ નથી : સેનેટાઇઝેશન - સર્વે - દવા વિતરણની કામગીરી હવે અગાઉ જેવી નિષ્ઠાથી નથી થતી : લોકોમાં ઉઠી રહેલી અનેક ફરિયાદો

રાજકોટ તા. ૧ : શહેરમાં છેલ્લા અઠવાડિયાથી કોરોના સંક્રમિતોની સંખ્યા દરરોજ ૨૦૦ આસપાસની થાય છે ત્યારે હવે ખાનગી કોવિડ હોસ્પિટલોના બેડ ફુલ થઇ રહ્યા છે અને બીજી તરફ દર્દીઓની સંખ્યા વધી રહી છે ત્યારે તંત્ર પણ હવે હાંફી ગું હોય તેમ નવી વ્યવસ્થાઓ પણ નથી ગોઠવાતી, ફેરિયાઓના રેપીડ ટેસ્ટની માત્ર વાતો થઇ રહી છે.

આ અંગે લોકોમાં ઉઠવા પામેલી ફરિયાદ મુજબ ગત વર્ષ એપ્રિલ - મે - જુન - જુલાઇમાં શહેરમાં કોરોનાના કેસ ખુબ વધ્યા હતા પરંતુ તે વખતે મ.ન.પા.નું સમગ્ર તંત્ર પુરાજોશથી કોરોનાને હંફાવવામાં લાગી ગયું હતું અને પૂરી નિષ્ઠાથી કોરોનાના દર્દીને શોધવા સર્વે રેપીડ ટેસ્ટ સહિતની કામગીરી થતી.

એટલું જ નહી પોઝિટિવ દર્દીને હોસ્પિટલ અથવા હોમ આઇસોલેશનમાં રખાયા બાદ દર્દીની વ્યકિતગત કાળજી લેવાતી હતી. દરેક વિસ્તારોમાં ઉકાળા વિતરણ, સંજીવની અને ધન્વંતરી રથની સેવા પ્રશંસનીય રહી હતી. હોમ આઇસોલેટેડ દર્દીની દરરોજ મુલાકાત તેનું ઓકસીજન લેવલ માપવું, દવા આપવી એટલું જ નહી ૧૪ દિવસના હોમ કોરન્ટાઇન દરમિયાન ડોકટર દ્વારા દર્દીને ફોન કરીને તેની તબિયત પૂછવામાં આવતી અને કોરોના સંક્રમિતના પરિવારના ટેસ્ટીંગ પણ થતાં પરંતુ આ વર્ષ હાલમાં જે પ્રકારે ઝડપથી કોરોના સંક્રમણ વધવા લાગ્યું છે તેની સામે તંત્ર જાણે હાંફી રહ્યું હોય તેમ નવી ખાનગી કોવિડ હોસ્પિટલો હજુ શરૂ નથી કરાઇ, સંજીવની રથ - ધન્વંતરી રથની સંખ્યા અત્યંત ઓછી છે. તબીબી અને નર્સીંગ સ્ટાફ નથી કેમકે આરોગ્યનો સ્ટાફ વેકસીનેશનમાં રોકાયો છે.

આમ, હવે સંજીવની રથ - ધન્વંતરી રથ તમામ વિસ્તારોમાં હોમ આઇસોલેટેડ દર્દીની વ્યકિતગત દેખભાળ માટે પહોંચી નથી શકતો. દર્દીને દવા વિતરણ કે તેની તબિયત હવે કોઇ પૂછતું નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે. આમ, હાલમાં જે પ્રકારે કોરોનાએ ધમાલ મચાવી છે તે જોતા મ.ન.પા.એ સ્થિતિની ગંભીરતા સમજી અગાઉની જેમ જ સમગ્ર તંત્રને કોરોનાની કામગીરીમાં લગાવી ઝડપી સર્વેલન્સ, માસ રેપીડ ટેસ્ટ, ઉકાળા વિતરણ, ધન્વંતરી - સંજીવની રથની સંખ્યા વધારીને દર્દીની પૂરતી સારસંભાળ રાખવી તેમજ નવી ખાનગી કોવિડ હોસ્પિટલો શરૂ કરાવવા સહિતની બાબતો પર ધ્યાન કેન્દ્રીત કરી યુધ્ધના ધોરણે પગલા લેવા જોઇએ તેવી માંગ ઉઠવા પામી છે.

(4:04 pm IST)