Gujarati News

Gujarati News

News of Thursday, 1st June 2023

રાજકોટ જીલ્લા કલેકટર કચેરી સહિત રાજયભરમાં ફલડ કન્‍ટ્રોલ રૂમ શરૂઃ તમામ ડેમો ઉપર વાયરલેસ સેટ મૂકાયાઃ ૬ર૮ જગ્‍યાનું મહેકમ મંજૂર

રાજય કક્ષાએ મુખ્‍ય કન્‍ટ્રોલ રૂમમાં ડે. કલેકટર અને ૬ નાયબ મામલતદાર સહિત ર૦ જગ્‍યાઓ મંજૂર... : રાજકોટ કલેકટરના ડીઝાસ્‍ટર તથા ૧૪ તાલુકા સહિત કુલ ૧પ નાયબ મામલતદાર અને પટ્ટાવાળાની જગ્‍યા મંજૂર

રાજકોટ તા. ૧: આજથી રાજકોટ જીલ્લા કલેકટર કચેરીની ડીઝાસ્‍ટર બ્રાંચ ઉપરાંત ૧૪ તાલુકામાં અને જીલ્લાના તમામ ડેમો ઉપર વરસાદી કન્‍ટ્રોલ રૂમ શરૂ થઇ ગયો છે, કન્‍ટ્રોલરૂમ ધમધમી ઉઠયા છે. મોન્‍સૂન કન્‍ટ્રોલરૂમ શરૂ કરાયા છે, જીલ્લાના તમામ ડેમો ઉપર કન્‍ટ્રોલ રૂમ-વાયરલેસ સેટ તથા અન્‍ય સુવિધાઓ શરૂ કરાઇ છે, રાજય સરકારે પણ આગામી ચોમાસુ સંદર્ભે હંગામી મહેકમની કુલ ૬ર૮ જગ્‍યાઓ મંજૂર કરી છે.

રાજકોટ કલેકટરના ડીઝાસ્‍ટર તથા ૧૪ તાલુકામાં કુલ ૧પ નાયબ મામલતદારોની અને ૧પ પટ્ટાવાળાની જગ્‍યા મંજૂર થઇ છે, આ બદલીના ઓર્ડરો કલેકટર દ્વારા હવે થશે.

આ ઉપરાંત રાજય કક્ષાએ સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટરમાં એક ડે. કલેકટર-૬-નાયબ મામલતદાર સહિત કુલ ર૦ જગ્‍યાઓ ભરાશે. રાજયના ૩૩ જીલ્લા ડીઝાસ્‍ટર કચેરીમાં ૬૬ જગ્‍યાઓ તથા ર૭૧ તાલુકાઓમાં કુલ પ૪ર નાયબ મામલતદાર-પટ્ટાવાળા મૂકાશે.

આ જગ્‍યામાં વર્ગ-૪ની જગ્‍યાઓઆઉટ સોર્સિંગ પધ્‍ધતિથી ભરાશે, જેમાં પટ્ટાવાળાને મહિને ૧ર હજાર, પટ્ટાવાળા કમ ઝેરોક્ષ ઓપરેટરને માસિક ૧ર હજાર, કોમ્‍પ્‍યુટર ઓપરેટર, કારકૂન તથા પટ્ટાવાળા કમ ડ્રાઇવરને માલિક ૧૪ હજાર મળશે.

ઇમરજન્‍સી ઓપરેશન રીસ્‍પોન્‍સ સેન્‍ટરનું ત્રણ શીફટમાં (૧) સવારના ૦૭-૦૦ થી બપોરના ૦ર-૦૦, (ર) બપોરના ૦ર-૦૦ થી રાતના ૧૦-૦૦ અને (૩) રાતના ૧૦-૦૦ થી સવારના ૦૭-૦૦ કલાક એમ ત્રણ શીપમાં રાખવાની રહેશે.

રાજય કક્ષા જિલ્લા કક્ષાએ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ સેલના મહેકમને પણ આ કામગીરી માટે ઉપયોગમાં લેવાનું રહેશે.

રાજય કક્ષા ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર, ગાંધીનગર ખાતે નિમણુંક પામનાર અધિકારી/કર્મચારીના પગાર ભથ્‍થાની ચુકવણી રાહત નિયામકશ્રીની કચેરી, ગાંધીનગરે કરવાની રહેશે.

ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સેન્‍ટર ખાતે નીમવામાં આવતાં સ્‍ટાફના કામનો જોબ ચાર્ટ જિલ્લા કક્ષાએ તેમજ તાલુકા કક્ષાએ જિલ્લા કલેકટરશ્રીએ તૈયાર કરવાનો રહેશે.

ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સેન્‍ટરની કામગીરી પૂર્ણ થઇ જાય તે પહેલાં ચોમાસુ, વાવાઝોડાની ઋતુ અંગેનો સંપૂર્ણ અહેવાલ રાહત નિયામકશ્રીએ ફરજ ઉપરના અધિક/નાયબ કલેકટરશ્રી પાસેથી મેળવીને મહેસુલ વિભાગને મોકલવાનો રહેશે.

જો તાલુકા કક્ષાના ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સેન્‍ટર માટે નાયબ મામલતદારની જગ્‍યાઓ ભરવામાં સમય જાય તેમ હોયતો પૂર, અતિવૃષ્‍ટિની તાકિદની પરિસ્‍થિતિને ધ્‍યાને લઇ જિલ્લા કલેકટરશ્રીએ જે તે તાલુકાના હયાત મહેકમ પરના નાયબ મામલતદારોમાંથી કોઇ એક નાયબ મામલતદારને તાલુકા કક્ષાના ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સેન્‍ટરની વધારાની ફરજ સોંપવાની રહેશે.

ઇમરજન્‍સી રીસ્‍પોન્‍સ સેન્‍ટર માટે મંજૂર કરેલ આ જગ્‍યાઓને તા. ૩૦-૧૧-ર૦ર૩ બાદ કોઇપણ સંજોગોમાં ચાલુ રાખવાની રહેશે નહીં. પરંતુ જો કોઇ જિલ્લા/તાલુકામાં નવેમ્‍બર માસ પછી આ જગ્‍યાઓ ચાલુ રાખવાની જરૂરી જણાય તો પૂર્વ મંજૂરી મેળવવા અલગથી સમયસર દરખાસ્‍ત કરવાની રહેશે.

(5:38 pm IST)